Last Updated on by Sampurna Samachar
પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા
ત્રણ માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલના આકસ્મિક અવસાનથી સમગ્ર પોલીસબેડામાં સન્નાટો છવાઈ ગયો છે. બપોરે ઘરેથી જમીને પોલીસ સ્ટેશન આવ્યા હતા. ત્યારબાદ તેમને છાતીમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષથી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મી રવિવારે બપોરે પોતાની નોકરી પરથી ઘરે જમવા માટે ગયા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશને પરત ફર્યા ત્યારે અચાનક તેમની છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો, જેના પગલે તેઓ બેભાન થઈ ગયા હતા.
સુરત પોલીસ વિભાગમાં શોકની લાગણી
ઘટનાની ગંભીરતા જોતાં તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જાેકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તબીબોએ પ્રાથમિક તારણમાં હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ દુ:ખદ ઘટનાના પગલે ત્રણ માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
તેમના અકાળે અવસાનથી પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છે. દિવંગત હેડ કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર આપીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ બનાવને પગલે સુરત પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.