Last Updated on by Sampurna Samachar
સુરતમાં ક્રુર હત્યા કરનાર બે આરોપીની ધરપકડ
હત્યા જૂના ઝઘડાની અદાવતમાં કરાઇ હોવાની પ્રાથમિક માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં યુવકની જાહેરમાં ત્રણ જેટલા વ્યક્તિઓએ ૮૦ સેકન્ડમાં ૬૦ જેટલા ચપ્પુનાં ઘા મારી હત્યા કરી નાખી હોવાનો સનીસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર મામલામાં પોલીસે હત્યા કરનારા આરોપી દીપક સરજુ સિંહ અને ભગવાન સવાઈને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ત્યારે આ ગુનામાં વધુ બે આરોપીઓના નામ સામે આવતા પોલીસે તેમને ઝડપી પાડવા માટેની કામગીરી શરૂ કરી છે.
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સુરતના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે ડુંભાળ ફાયર સ્ટેશનની સામે વાટિકા ટાઉનશિપમાં રહેતા ૪૫ વર્ષીય આલોક અગ્રવાલ નામના વ્યક્તિની ત્રણ જેટલા વ્યક્તિઓ દ્વારા ૮૦ સેકન્ડમાં ૬૦ કરતાં વધુ ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવતા પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસને જાણકારી મળી હતી કે, કાપડના વેપાર સાથે જોડાયેલો આ વ્યક્તિ અને ગુનામાં સંડોવાયેલો છે અને તેની હત્યા જૂના ઝઘડાની અદાવતમાં કરવામાં આવી છે.
મિત્રો સાથે મળીને હત્યાનો પ્લાન બનાવ્યો
ઉલ્લેખનીય છે કે આ વ્યક્તિ સ્ટેટ મોનિટરિંગ સેલમાં બાતમીદાર તરીકે કામ કરતો હોવાની વિગતો પણ સામે આવી હતી. અશફાક નામના વ્યક્તિ સાથે મરનાર આલોક અગ્રવાલની કોઈ બાબતે ઝઘડો થયો હતો. તેની અદાવતમાં આરોપીએ તેના મિત્રો સાથે મળીને આ યુવકની હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને તેના ઘર નજીક બેઠો હતો. ત્યારે તેના મિત્રો સાથે આવી તેના ઉપર ચપ્પુ વડે હુમલો કરી તેની ઘાતકી હત્યા કરી નાખી હતી.
આ સમગ્ર ઘટનામાં પોલીસે દીપક સરજુસિંહ અને ભગવાન સવાઈ નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. ત્યારે આ ગુનામાં CCTV સામે આવ્યા છે. તેમાં અબરાર લસી નામનો વ્યક્તિ પણ આ હત્યાની ઘટનામાં સામેલ હોવાનું સામે આવ્યું હતું.
જોકે ઝઘડો અશફાક સાથે થયો હતો અને તેના ત્રણ મિત્રો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો પોલીસને મળી હતી. પોલીસે આ ઘટનામાં બે આરોપીની ધરપકડ કરી છે જ્યારે ત્રીજા આરોપીની શોધખોળ શરૂ કરી છે. જોકે, ચોથા વ્યક્તિનું નામ સામે આવ્યું છે. તે હત્યામાં કેવી રીતે સંડોવાયેલો છે અને હત્યા સમયે તે ક્યાં હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
સમગ્ર ઘટનામાં CCTV સામે આવતા આરોપીઓ મરનાર વ્યક્તિને જાહેરમાં જે રીતે ચપ્પુના ઘા મારે છે એ દૃશ્ય જોઈને ભલભલા હચમચી જાય તેવા આ CCTV પોલીસે ગુનામાં કબજે કરીને હાલ બે આરોપીને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી અન્ય બે વ્યક્તિઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.