Last Updated on by Sampurna Samachar
શુભમન ગિલ સાજો થઈને મેદાન પર પરત આવશે
આ મુદ્દે પાર્થિવે અપડેટ આપ્યું છે, પરંતુ તેણે માત્ર શુભમન ગિલ મેદાન પર પરત ફરવાની આશા વ્યક્ત કરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત ટાઈટન્સનો સુકાની શુભમન ગિલ ઈજાગ્રસ્ત હોવાના કારણે IPL-૨૦૨૬માંથી બહાર છે, જેના કારણે તેના ચાહકોની ચિંતા વધી ગઈ છે. ઈજાના કારણે ગિલ ચોથી એપ્રિલે રાજસ્થાન રૉયલ સામેની મેચમાં મેદાનમાં આવી શક્યો ન હતો અને તેના સ્થાને રાશિદ ખાને સુકાનીની ભૂમિકા નિભાવી હતી. જો કે હવે ગુજરાત ટાઈટન્સના આસિસ્ટન્ટ કોચ પાર્થિવ પટેલે ગિલની ઈજા અંગે મહત્ત્વનું અપડેટ આપ્યું છે.

રાજસ્થાન સામેની મેચમાં ટોસ વખતે રાશિદ ખાને ગિલ ન રમવાનો હોવાની માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે, ગિલને સ્નાયુઓમાં ખેંચાણ થતું હોવાથી તે રમવા માટે ફિટ નહોતો. ગિલ વહેલી તકે મેદાનમાં ઉતરશે તેવી ગુજરાત ટાઈટન્સના આસિસ્ટન્ટ કોચ પાર્થિવ પટેલે આશા વ્યક્ત કરી છે.
ગિલ વહેલી તકે મેદાનમાં ઉતરશે
IPL-૨૦૨૬માં ગુજરાત ટાઈટન્સની આગામી મેચ દિલ્હી કેપિલ્સ સામે ૮ એપ્રિલે રમાશે. જો કે પ્રશ્ન એ છે કે, શું આ મેચમાં ગિલ રમશે કે પછી વધુ સમય લાગશે? આ મુદ્દે પાર્થિવે અપડેટ આપ્યું છે, પરંતુ તેણે માત્ર ગિલ મેદાન પર પરત ફરવાની આશા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, છેલ્લા બે દિવસથી શુભમન સ્નાયુઓની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. અમને આશ છે કે, તે આગામી મેચમાં રમવા માટે તૈયાર હશે. વધુ ચિંતાજનક કોઈ વાત લાગતી નથી.
શુભમન ગિલ ક્યારે સાજો થઈને મેદાન પર પરત આવશે, તેનો જવાબ હાલ કોઈ પાસે નથી. ગુજરાત ટાઈટન્સ તે મેદાન પર પરત આવવાની આશા રાખી રહ્યું છે.