Last Updated on by Sampurna Samachar
મૃત્યુના માત્ર ૧૧ મહિના પહેલા થયા લગ્ન
પેટમાં દુ:ખાવાના બહાને IV ઈન્જેક્શન આપ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગલુરુની વિક્ટોરિયા હોસ્પિટલના ૩૨ વર્ષીય જનરલ સર્જન ડૉ. મહેન્દ્ર રેડ્ડીએ પોતાના તબીબી જ્ઞાનનો ઉપયોગ કોઈનો જીવ બચાવવાને બદલે પોતાની પત્નીનો જીવ લેવા માટે કર્યો છે. છ મહિના સુધી તેને કુદરતી મૃત્યુ માનવામાં આવતું હતું, પરંતુ હવે પોલીસે ખુલાસો કર્યો છે કે આ એક આયોજનબદ્ધ હત્યા હતી. ૨૮ વર્ષીય ડર્મેટોલોજિસ્ટ ડૉ. કૃતિકા રેડ્ડીના મોત મામલે તેના પતિ મહેન્દ્રની ૧૪ ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે મહેન્દ્રએ પોતાની પત્નીને એનેસ્થેસિયાનો ઓવરડૉઝ આપીને તેની હત્યા કરી નાખી હતી. તમને જણાવી દઈએ કે બંનેના લગ્ન ૨૬ મે ૨૦૨૪ ના રોજ થયા હતા. એટલે કે મૃત્યુના માત્ર ૧૧ મહિના પહેલા થયા હતા.
મેડિકલ દુર્ઘટના તરીકે રજૂ કરવામાં આવી
વ્હાઈટફિલ્ડના ડીસીપી એમ. પરશુરામે જણાવ્યું કે, મહેન્દ્રએ પોતાની પત્નીની હત્યાનું કાવતરું ખૂબ જ આયોજનબદ્ધ રીતે ઘડ્યુ હતું. તે તેની તબીબી નબળાઈઓ જાણતો હતો અને તેણે તેનો જ લાભ ઉઠાવ્યો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મહેન્દ્રએ ૨૧ એપ્રિલના રોજ પોતાના ઘરે પત્નીને પેટમાં દુ:ખાવાના બહાને ઈન્જેક્શન આપ્યું હતું. બીજા દિવસે તે તેને મરાઠાહલ્લીમાં તેના તેના પિયર એવું કહીને લઈ ગયો હતો કે તને આરામની જરૂર છે. ૨૩ એપ્રિલની રાતે તે પોતાના સાસરે ગયો અને બીજું ઈન્જેક્શન આપ્યું.
બીજા દિવસે સવારે ૨૪ એપ્રિલે કૃતિકા બેભાન હાલતમાં મળી આવી. ડૉક્ટર હોવા છતાં મહેન્દ્રએ સીપીઆર આપવાનો પ્રયાસ ન કર્યો અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી.
શરૂઆતમાં તેને કુદરતી મૃત્યુ ગણાવવામાં આવ્યું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ અને હ્લજીજી રિપોર્ટમાં શરીરમાં એનેસ્થિસિયાના અંશ જોવા મળ્યા. ત્યારબાદ આ કેસ હત્યામાં ફેરવાયો. કૃતિકાના પિતા કે. મુનિ રેડ્ડીની ફરિયાદના આધારે મહેન્દ્ર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે, અમારી દીકરીને લાગતું હતું કે, તેના લગ્ન સન્માન અને પ્રેમ પર આધારિત છે. પરંતુ તે જ મેડિકલ જ્ઞાનનો ઉપયોગ તેનો જીવ લેવા માટે કરવામાં આવ્યો.
તપાસમાં જાણવા મળ્યું કે, લગ્ન બાદ મહેન્દ્રને જાણ થઈ હતી કે, કૃતિકાને લાંબા સમયથી ગેસ્ટ્રિક અને મેટાબોલિક ડિસઓર્ડર છે. પરિવારે તેને પહેલા આ જાણકારી નહોતી આપી. પોલીસને શંકા છે કે, આ જ બાબતે તેની અંદર નારાજગી અને બદલાની ભાવના ઉત્પન્ન કરી જે અંતે હત્યાના અંજામ પર પહોંચી.
પત્નીના મોત બાદ પણ મહેન્દ્ર સામાન્ય દેખાવાનો પ્રયાસ કરતો હતો. તેણે પોલીસને કહ્યું કે તેની પત્નીનું મૃત્યુ સ્વાભાવિક હતું. જોકે, FSL રિપોર્ટ પછી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩ (હત્યા) હેઠળ તેની ધરપકડ કરી લીધી છે. બેંગલુરુ પોલીસ કમિશનર સીમાંત કુમાર સિંહે કહ્યું કે, પોલીસ ટીમે એ હત્યાનો પર્દાફાશ કર્યો છે જેને એક મેડિકલ દુર્ઘટના તરીકે રજૂ કરવામાં આવી હતી.