Last Updated on by Sampurna Samachar
કાર્યકરની માતા અને ભાઇએ પક્ષ પર કર્યા આકરા પ્રહાર
હત્યારાઓ ન પકડાય ત્યા સુધી મૃતદેહ ન સ્વીકારવાનો ઇનકાર કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસની સક્રિય કાર્યકર હિમાની નરવાલની હત્યા બાદ હરિયાણામાં રાજકારણ ગરમાયું છે. હિમાનીની માતા સવિતા રાની અને ભાઈ જતીન નરવાલે હિમાનીનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો અને તેમણે કહ્યું કે જ્યાં સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં.

હિમાનીની માતાએ કહ્યું કે આ ચૂંટણીઓએ મારી પુત્રીનો જીવ લીધો છે. દીપેન્દ્ર હુડ્ડા, ભૂપિન્દર સિંહ હુડ્ડા અને ધારાસભ્ય સાથે સંપર્કમાં હતી. તેમની સાથે બેઠકો કરતી, સામાજિક કાર્યમાં જોડાતી હતી. રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન તે કાશ્મીર અને લાલ ચોક પણ ગઈ હતી. તેણે ૧૧ દિવસની યાત્રામાં ભાગ લીધો હતો. પરંતુ આજે તેની હત્યા બાદ કોંગ્રેસના કોઈ કાર્યકર પૂછવા કે જોવા પણ આવ્યા નથી. તેમણે કોઈએ ફોન કરીને સાંત્વના કે શોક પણ વ્યક્ત કર્યો નથી.
પક્ષે મારી દિકરીનો જીવ લીધો
હિમાનીની માતાએ આગળ જણાવ્યું કે, ચૂંટણી દરમિયાન પક્ષના નેતાઓ સાથે નાના-મોટા ઝઘડા થતાં હતાં. તેના વિશે મારી દિકરી મને જણાવતી હતી. જ્યાં સુધી તેના હત્યારાઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મારી દિકરીના અંતિમ સંસ્કાર નહીં કરૂ. સવિતા રાનીએ જણાવ્યું કે, ‘પક્ષે મારી દિકરીનો જીવ લીધો. જેના લીધે તેના અમુક દુશ્મનો બન્યા. આ હત્યારો પક્ષમાંથી પણ હોઈ શકે છે, તેનો મિત્ર પણ હોઈ શકે છે. ૨૮ ફેબ્રુઆરીએ તે ઘરે હતી. અમને પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો.
મારી દિકરી આશા હુડ્ડા (ભુપિન્દર સિંહ હુડ્ડાની પત્ની)ની નજીક હતી. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હું અંતિમ સંસ્કાર નહીં કરૂ. મારા મોટા દિકરાની ૨૦૧૧ માં હત્યા થઈ હતી. ત્યારે પણ અમને ન્યાય નહોતો મળ્યો. આથી મારા બીજા દિકરાનો જીવ બચાવવા હું તેને બીએસએફ કેમ્પ લઈ ગઈ. ચૂંટણી બાદ મારી દિકરી પક્ષથી નારાજ હતી. તેણે કહ્યું હતું કે, તેને નોકરી કરવી છે હવે, પક્ષ માટે વધુ કામ કરવા માગતી નથી. છેલ્લા દસ વર્ષથી તે કોંગ્રેસમાં જોડાયેલી હતી. તે લગ્ન કરવા પણ રાજી થઈ હતી. મને સવારે આશા હુડ્ડાને ફોન કર્યો હતો, પરંતુ તેમણે મારો ફોન રિસિવ ન કર્યો.
પોલીસ તમામ પાસાંને ધ્યાનમાં રાખી કેસની તપાસ કરી રહી છે. હત્યાની માહિતી મળ્યા બાદ ઘટનાસ્થળે તુરંત એફએસએલની ટીમ પહોંચી હતી. સાયન્ટિફિક પુરાવાના આધારે હત્યાની તપાસ થઈ રહી છે. હિમાની નરવાલની હત્યા પર તપાસ કરતાં પોલીસ અધિકારી નરેશ કુમારે જણાવ્યું કે, અમે તમામ પાસાંને ધ્યાનમાં રાખી તપાસ કરી રહ્યા છીએ. તપાસ માટે કુલ પાંચ ટીમની રચના કરવામાં આવી છે.