CBI ટૂંક સમયમાં અમેરિકાને કાયદાકીય રીતે કરશે અપીલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોફોર્સ કેસ ફરી વખત ખુલી શકે છે. આ માટે CBI ટૂંક સમયમાં પ્રાઈવેટ જાસૂસ માઈકલ દર્શમેન પાસેથી માહિતી માંગવા માટે અમેરિકાને કાયદાકીય રીતે અપીલ કરશે. હર્શમેને બોફોર્સ લાંચ કૌભાંડ અંગે મહત્વની માહિતી ભારતીય એજન્સીઓ સાથે રજૂ કરવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલીન રાજીવ ગાંધી સરકાર દરમિયાન હોવિત્ઝર ગન માટે સ્વીડિશ કંપની બોફોર્સ સાથે ૧,૪૩૭ કરોડ રૂપિયાના સોદામાં લાંચ લેવાના આરોપો લાગ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે વર્ષ ૨૦૦૪માં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા.
એક વર્ષ પછી કોર્ટે આ કેસમાં હિન્દુજા બંધુઓ સહિત બાકીના આરોપીઓ સામેના તમામ આરોપોને ફગાવી દીધા હતા. કથિત વચેટિયા ઓટ્ટાવિયો ક્વાટ્રોચીને પણ વર્ષ ૨૦૧૧માં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. અધિકારીઓએ કહ્યું કે CBI એ વિશેષ અદાલતને ન્યાયિક વિનંતી મોકલવા વિશે જાણ કરી છે. વિશેષ અદાલત આ કેસની વધુ તપાસ માટે CBI ની અરજી પર સુનાવણી કરી રહી છે. લેટર્સ રોગેટરી મોકલવાની પ્રક્રિયા આ વર્ષે ઓક્ટોબરમાં શરૂ થઈ હતી. આ પ્રક્રિયામાં લગભગ ૯૦ દિવસનો સમય લાગી શકે છે. તેનો હેતુ કેસની તપાસ માટે માહિતી મેળવવાનો છે.