Last Updated on by Sampurna Samachar
વિદેશમાં અનેક શેલ કંપનીઓ ખોલી રાખી હતી
હર્ષવર્ધન કયા વિદેશીઓ સાથે જોડાયેલો તેની તપાસ થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી તાજેતરમાં પકડાયેલ નકલી દૂતાવાસ ચલાવનાર આરોપી હર્ષવર્ધન જૈનને લઈને નવા ખુલાસા થયા છે. છેલ્લા ૧૦ વર્ષમાં તેણે ૩૦ થી વધુ દેશોનો પ્રવાસ કર્યો છે. આ દરમિયાન તે ૫૩ વખત દુબઈ જઈ ચૂક્યો છે.

ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ફોર્સ (UP STF )એ તેની ધરપકડ કરી છે. તેની પૂછપરછ ચાલી રહી છે. તેની પાસેથી અનેક ડિપ્લોમેટિક પાસપોર્ટ મળી આવ્યા છે. તેમણે જે દેશોનો પ્રવાસ કર્યો છે, તેમાં ઇંગ્લેન્ડ, સંયુક્ત આરબ અમીરાત, મોરેશિયસ, ફ્રાન્સ, કેમરૂન, સ્વિટ્ઝર્લૅન્ડ, પોલેન્ડ, શ્રીલંકા, બેલ્જિયમનો સમાવેશ થાય છે. STF હર્ષવર્ધનની આવકના સ્ત્રોત અને લેવડ-દેવડની માહિતીની તપાસ કરી રહી છે. તે કયા વિદેશીઓ સાથે સંપર્કમાં હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
પિતા રાજસ્થાનના મોટા ઉદ્યોગપતિ હતા
હર્ષવર્ધને લંડનથી MBA નો અભ્યાસ કર્યો છે. તે લંડનની કોલેજ ઓફ એપ્લાઇડ સાયન્સમાં પણ ભણ્યો છે. રિપોર્ટ અનુસાર, તેનો પરિવાર સમૃદ્ધ છે. તેના પિતા રાજસ્થાનના મોટા ઉદ્યોગપતિ હતા. પરંતુ તેમના પછી હર્ષવર્ધન તેમનો ધંધો સંભાળી શક્યો નહીં. તેને ઘણું નુકસાન થયું. આ પછી તેણે છેતરપિંડીનો રસ્તો અપનાવ્યો.
તેણે ગાઝિયાબાદના કવિ નગર વિસ્તારના એક મકાનમાં નકલી દૂતાવાસ ખોલ્યો. તેણે પોતાને વેસ્ટ આફ્રિકા અને સેબોર્ગા, પોલ્બિયા જેવા અજાણ્યા દેશોનો રાજદૂત કહેવાનું શરૂ કર્યું. તે ડિપ્લોમેટિક નંબર પ્લેટવાળી ગાડીઓમાં ફરતો હતો. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવા પ્રભાવશાળી લોકો સાથેના પોતાના એડિટ કરેલા ફોટા શેર કરીને લોકોમાં રૂઆબ જમાવવાનો પ્રયાસ કરતો હતો. આના કારણે લોકોને તેના પર શંકા નહોતી થતી.
પ્રાથમિક તપાસમાં STF ને જાણવા મળ્યું છે કે, નકલી દૂતાવાસની આડમાં હર્ષવર્ધન લોકો સાથે છેતરપિંડી કરતો હતો. તે લોકોને વિદેશ મોકલવાના નામે તેમની પાસેથી માટા રૂપિયા લેતો હતો. આ ઉપરાંત, તેણે વિદેશમાં અનેક શેલ કંપનીઓ ખોલી રાખી હતી. STF અનુસાર, આરોપીએ લંડન, યુકે, મોરિશિયસ, દુબઈ અને આફ્રિકા જેવા દેશોમાં આ કંપનીઓ રજિસ્ટર કરાવી હતી. આના દ્વારા તે હવાલાનું મોટું રેકેટ ચલાવતો હતો.
STF ને એ પણ જાણવા મળ્યું છે કે આ મામલાના મૂળ ચંદ્રાસ્વામી નામના એક વિવાદસ્પદ ધર્મગુરુ અને તાંત્રિક સાથે જોડાયેલા છે. હર્ષવર્ધનનું કહેવું છે કે તેણે આ બધું ચંદ્રાસ્વામીના નજીકના એહસાન અલી સૈયદના કહેવા પર કર્યું હતું. છેતરપિંડીના આરોપમાં એહસાનની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. ૨૦૨૩માં લંડનની એક અદાલતે તેને સ્વિટ્ઝર્લેન્ડ પ્રત્યર્પણ કરવાની મંજૂરી આપી હતી.