Last Updated on by Sampurna Samachar
કોઇ ટિપ્પણી કરવાનો હર્ષ સંઘવીએ સ્પષ્ટ ઇનકાર કર્યો
ચેરમેન-ટ્રસ્ટી મંડળ સાથે બેઠક કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવી પહેલીવાર ખોડલધામ (કાગવડ) ખાતે પહોંચ્યા હતા. નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ તેમની આ પ્રથમ વખત મા ખોડલના દર્શનની મુલાકાત હતી. તેથી અહીં તેમનું ગાર્ડ ઓફ ઓનર અને રાષ્ટ્રગાન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન હર્ષ સંઘવીએ મા ખોડલના દર્શન કર્યા હતા અને બાદમાં રાજ્યના ખેડૂતો માટે વિશેષ પ્રાર્થના કરી હતી.

ખોડલધામ (કાગવડ) ખાતે પહોંચેલા હર્ષ સંઘવીએ માં ખોડલના ચરણોમાં શીશ નમાવી કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને માતાજી હિંમત અને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. તેમણે ખોડલધામને ‘રાષ્ટ્ર શક્તિ‘ અને ‘ધર્મ શક્તિ‘નું અનોખું સંગમ ગણાવ્યું હતું. કારણ કે અહીં ખોડલધામ મંદિરના શિખર પર ભારતનો રાષ્ટ્ર ધ્વજ તિરંગો ફરકી રહ્યો છે.
SP, DYSP સહિત પોલીસ અધિકારીઓએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો
આ મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ ખોડલધામ ચેરમેન નરેશ પટેલ તથા ટ્રસ્ટી મંડળ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘વૈદિક લગ્ન‘ની પહેલને તેમણે બિરદાવી હતી. તેમણે કહ્યું કે, આ પહેલથી સામાન્ય પરિવારો દેખા-દેખીના બિનજરૂરી ખર્ચથી બચી શકશે અને લગ્ન જેવા પવિત્ર કાર્યને સરળ અને વૈદિક રીતે યોજી શકશે.
ઉપરાંત ધાર્મિક સ્થળ પરથી કોઈપણ રાજકીય કે સરકારી ટિપ્પણી કરવાનો હર્ષ સંઘવીએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. ખોડલધામના ટ્રસ્ટીઓએ નાયબ મુખ્યમંત્રીના આગમનને ધામ માટે ગૌરવની વાત ગણાવી હતી. આ મુલાકાતથી ખેડૂતો અને ભાવિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે મુલાકાત દરમિયાન SP, DYSP સહિત પોલીસ અધિકારીઓએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો, જેના કારણે કાર્યક્રમ સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો છે.