Last Updated on by Sampurna Samachar
હર્ષ સંઘવીને ભાજપે મોટું પ્રમોશન આપ્યું
છેલ્લા ચાર વર્ષથી રાજ્યમાં ડેપ્યુટી CM નુ પદ હતુ ખાલી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં ભાજપે ફરી એકવાર ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા પર પાછી ફરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરબદલમાં સુરતથી આવતા હર્ષ સંઘવીનું મોટું પ્રમોશન આપ્યું. તેમને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. છેલ્લા ચાર વર્ષથી રાજ્યમાં કોઈ ડેપ્યુટી સીએમ નહોતું.
હર્ષ સંઘવી અત્યાર સુધી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ગૃહ રાજ્ય મંત્રીની સાથે પરિવહન અને રમતગમત વિભાગ સ્વતંત્ર પ્રભાર તરીકે સંભાળી રહ્યા હતા. હવે તેમને મોટી પદોન્નતિ આપવામાં આવી છે. તેઓ ગુજરાતના છઠ્ઠા ડેપ્યુટી સીએમ બન્યા છે. આ પહેલા રાજ્યમાં નીતિન પટેલ અંતિમ ડેપ્યુટી સીએમ હતા.
હર્ષ સંઘવી પાસે ૧૨.૩૨ કરોડની સંપત્તિ
૮ જાન્યુઆરી, ૧૯૮૫ના રોજ જન્મેલા હર્ષ સંઘવીની હાલની ઉંમર ૪૦ વર્ષ છે. હર્ષ સંઘવી અગાઉ ભાજપ યુવા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ ૨૦૧૨માં ચૂંટણી જીતીને પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. ત્યારથી સતત તેઓ સુરતની મજૂરા બેઠક પરથી ચૂંટણી જીતી રહ્યા છે.
ગત ચૂંટણીઓમાં તેમણે આપના ઉમેદવાર અને પૂર્વ ભાજપ નેતા પીવીએસ શર્માને ૧.૧૬ લાખથી વધુ વોટોના અંતરથી હરાવ્યા હતા. હર્ષ સંઘવી અત્યાર સુધી ગુજરાતમાં રમતગમત, યુવા સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ, પરિવહન, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સુરક્ષા, જેલ, સરહદ સુરક્ષા (તમામ સ્વતંત્ર પ્રભાર), ગૃહ અને પોલીસ આવાસ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય મંત્રી હતા.
હર્ષ સંઘવીએ ૧૫ વર્ષની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમના પિતા હીરાના વેપારી હતા. તેમના પિતાનું નામ રમેશ કુમાર સંઘવી અને માતાનું નામ દેવેન્દ્રબેન સંઘવી છે. સંઘવીએ ધોરણ નવ સુધી અભ્યાસ કર્યો છે. તેમની પત્નીનું નામ પ્રાચી છે, જે ગૃહિણી છે. હર્ષ સંઘવીને બે સંતાન છે. પુત્રનું નામ આરુષ અને પુત્રીનું નામ નિરવા છે.
હર્ષ સંઘવી રાજનેતા હોવાની સાથે હીરાના વેપારી પણ છે. જ્યારે તેમના પિતાનું નિધન થયું, ત્યારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ તેમના ઘરે પહોંચ્યા હતા. હર્ષ સંઘવી પાસે ૧૨.૩૨ કરોડની સંપત્તિ છે. જેમાં આભૂષણોની સાથે એક ટોયોટા ફોર્ચ્યુનર ગાડીનો સમાવેશ થાય છે. તેમની પત્નીનું ઘણી કંપનીઓમાં રોકાણ છે. જેનું કુલ મૂલ્ય છેલ્લા સોગંદનામા મુજબ રૂ.૧૦.૫૧ કરોડ છે. આ ઉપરાંત, તેમની પાસે ૫.૧૦ કરોડની સ્થાવર મિલકત છે. જેમાં તેમનું ઘર સામેલ છે.