Last Updated on by Sampurna Samachar
Contents
દેશમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટે આપી ઇચ્છામૃત્યુની મંજૂરી
૧૩ વર્ષથી હરીશ રાણાની સ્થિતિમાં સુધાર થયો નથી : કૃત્રિમ રીતે દર્દીને જીવિત રાખવો ત્યારે યોગ્ય છે જ્યારે તેને સારવારથી લાભ પહોંચી રહ્યો હોય : સુપ્રીમ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે માનવીય અભિગમ અપનાવીને ૧૩ વર્ષથી પથારીવશ યુવક હરીશ રાણાને પેસિવ યુથેનેશિયા(ઇચ્છા મૃત્યુ)ની મંજૂરી આપી દીધી છે. હરીશ રાણા ૧૩ વર્ષ પહેલા ચંદીગઢની એક હોસ્ટેલમાં ચોથા માળેથી નીચે પટકાઈને પરમેનેન્ટ વેજિટેટિવ સ્ટેટમાં જતો રહ્યો હતો. ત્યાર પછી ગાઝિયાબાદના રહેવાસી હરીશના માતા-પિતાએ જીવતી લાશ બની ગયેલા પુત્રની સ્થિતિ જોઈને તેના ઇચ્છા મૃત્યુ માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

આ અરજી અંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે. બી. પારડીવાલાની બેન્ચે દિલ્હીની એક હૉસ્પિટલ પાસે મેડિકલ રિપોર્ટ મંગાવ્યો હતો. તબીબોની ટીમે રિપોર્ટમાં કહ્યું હતું કે, હરીશના સ્વાસ્થ્યમાં સુધારાની કોઈ જ શક્યતા નથી. આ રિપોર્ટને આધારે કોર્ટે અવલોકન કર્યું કે, કોઈ વ્યક્તિને આટલી અસહ્ય પીડામાં અનિશ્ચિતકાળ સુધી રાખી શકાય નહીં. આ સાથે જ સુપ્રીમ કોર્ટે હરીશ માટે પેસિવ યુથેનેશિયાની મંજૂરી આપી દીધી.
હલનચલન કરી શકતા નથી કે બોલી શકતા નથી
આ પ્રક્રિયામાં દર્દીને જીવંત રાખવા માટે અપાતા કૃત્રિમ લાઇફ સપોર્ટ હટાવી લેવાય છે, જેથી તેનું કુદરતી રીતે મૃત્યુ થઈ શકે. આ ચુકાદો આપતી વખતે જસ્ટિસ પારડીવાલાએ કહ્યું હતું કે, ‘આવા ર્નિણય મુશ્કેલ છે, પરંતુ દર્દીની સ્થિતિ અત્યંત દુ:ખદ છે.’ પરમેનેન્ટ વેજિટેટિવ સ્ટેટ મગજની એવી ગંભીર સ્થિતિ છે, જેમાં વ્યક્તિ જાગૃત હોવા છતાં તેને આસપાસના વાતાવરણનું ભાન હોતું નથી.
આ સ્થિતિમાં દર્દીની આંખો ખુલ્લી હોય છે અને તે ક્યારેક ઊંઘે કે જાગે તેવું પણ લાગે છે, પરંતુ તેમનું મગજ કોઈ વિચાર કરી શકતું નથી કે કોઈ સૂચનાનું પાલન કરી શકતું નથી. તે હલનચલન કરી શકતા નથી કે બોલી શકતા નથી. શરીરના મૂળભૂત કાર્યો ચાલુ રહે છે કારણ કે મગજનો નીચેનો ભાગ કામ કરતો હોય છે, પણ ઉપરનો ભાગ જે વિચારવાનું કામ કરે છે, તે કામ કરવાનું બંધ કરી દે છે.
એટલું જ નહીં, આ પ્રકારના દર્દી ક્યારેક અવાજ તરફ ડોક ફેરવવી કે રડવા/હસવા જેવી પ્રતિક્રિયા આપે છે.
એવી જ રીતે, કોમામાં આંખો બંધ હોય છે. દર્દીને ઊંડા નસકોરા પણ બોલતા હોઈ શકે છે, જેથી તે ગાઢ ઊંઘમાં હોય તેવું લાગે છે. આ ઉપરાંત તેઓ કોઈ પણ અવાજ કે સ્પર્શની પ્રતિક્રિયા આપતા નથી. ભારતમાં સક્રિય ઈચ્છા મૃત્યુને અવૈધ અને હત્યા માનવામાં આવે છે.
જો કે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની બાબતમાં ૨૦૧૧ ના અરુણા શાનબાગ કેસ અને ૨૦૧૮ ના કોમન કોઝ કેસ પછી સુપ્રીમ કોર્ટે તેને કાયદાકીય દરજ્જો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ અનુસાર દર્દી પહેલાથી પોતાની લેખિત વીલ બનાવી શકે છે કે જો તે કોઈકારણોસર કોમામાં સરી પડે તો તેને વેટિંલેટર પર ન રાખવામાં આવે. કોઈપણ મામલો હોય ભારતમાં ઈચ્છા મૃત્યુ માટે મંજૂરી લેવી ફરજિયાત છે.
સુપ્રીમ કોર્ટે હરીશ રાણાને લઈને દિલ્હી એમ્સ પાસે રિપોર્ટ માંગ્યો હતો. આ રિપોર્ટમાં એમ્સે કહ્યું હતું કે હરીશ ક્યારેય સાજો થઈ શકશે નહીં. ત્યારે જસ્ટિસ જેબી પારડીવાલાએ કહ્યુ હતુ કે આ દુખદ રિપોર્ટ છે. તેમણે કહ્યું હતું કે આ અમારા માટે મુશ્કેલ ર્નિણય છે અને અમે આ યુવકને અપાર દુખમાં ન રાખી શકીએ. કોર્ટે પાછલી સુનાવણી દરમિયાન કહ્યું હતું કે અમે તે સ્ટેજ પર છીએ જ્યાં અમારે અંતિમ ર્નિણય કરવો પડશે.
ઉલ્લેખનીય છે કે ચંડીગઢમાં રહી અભ્યાસ કરી રહેલો હરીશ ૨૦૧૩મા પોતાના હોસ્ટેલના ચોથા માળેથી પડી ગયો હતો. તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ હરીશ સતત પલંગ પર અચેત સ્થિતિમાં છે. સતત બેડ પર રહેવાને કારણે તેના શરીરમાં ઘાવ થઈ ગયા હતા.