Last Updated on by Sampurna Samachar
મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ
હાર્દિક પંડ્યા પર વર્લ્ડ કપની જીતની ઉજવણી દરમિયાન રાષ્ટ્રીય ધ્વજની ગરિમાને ઠેસ પહોંચાડવાનો આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પર T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની જીતની ઉજવણી દરમિયાન રાષ્ટ્રીય ધ્વજની ગરિમાને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. પંડ્યા વિરુદ્ધ ઉત્તર પ્રદેશના હાથરસ અને મહારાષ્ટ્રના પુણેમાં અલગ-અલગ ફરિયાદો દાખલ કરવામાં આવી છે.

ભારતની ઐતિહાસિક જીત બાદ સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાના ઉજવણીના અનેક વીડિયો વાયરલ થયા હતા. ફરિયાદમાં જણાવાયું છે કે, એક વાયરલ વીડિયોમાં હાર્દિક પંડ્યા ખભા પર તિરંગો લપેટીને પોતાની ગર્લફ્રેન્ડ સાથે વાંધાજનક સ્થિતિમાં જાેવા મળ્યો હતો.
દેશના કરોડો નાગરિકોની લાગણી દુભાઈ
પુણેના એડવોકેટ વાજિદ ખાન બિડકરે જણાવ્યું કે, ‘રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ, ૧૯૭૧’ ની કલમ ૨ મુજબ, રાષ્ટ્રધ્વજની ગરિમા જાળવવી અનિવાર્ય છે. ઉજવણીમાં મશગૂલ પંડ્યા તિરંગો શરીર પર હોવા છતાં ગર્લફ્રેન્ડ સાથે સ્ટેજ પર સૂતેલા જોવા મળ્યા હતા, જે ધ્વજનું અપમાન છે.
હાથરસના એડવોકેટ વિશ્વપ્રતાપ સિંહ રાણાએ પણ એસપી અને કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખીને કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, આ કૃત્યથી દેશના કરોડો નાગરિકોની લાગણી દુભાઈ છે. આ મામલે એસપી ચિરંજીવનાથ સિન્હાએ જણાવ્યું છે કે, ફરિયાદની ગંભીરતાથી તપાસ કરી નિયમાનુસાર વૈધિક કાર્યવાહી કરવામાં આવશે.
એડવોકેટ વિશ્વપ્રતાપ સિંહ દ્વારા એસપીને આવેદન પાઠવ્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના પુણે ખાતે શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં એડવોકેટ વાજિદ ખાન દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક અહેવાલો અનુસાર બેંગ્લુરૂ ખાતે પણ લેખિત અરજી આપવામાં આવી છે. હાર્દિક પંડ્યા અગાઉ પણ પોતાની લાઈફસ્ટાઈલ અને નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે, પરંતુ રાષ્ટ્રધ્વજ સાથે જોડાયેલો આ વિવાદ તેમના માટે કાયદાકીય મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.