Last Updated on by Sampurna Samachar
નાના પેકેટમાં નારિયેળ તેલને ખાદ્ય તેલ તરીકે વર્ગીકૃત કરી શકાય
(સંપૂર્ણ સમાચાર સેવા)
નારિયેળ તેલના ભાવમાં સતત વધારો થતો અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ર્નિણય લીધો છે. CJI સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ આર મહાદેવનની ત્રણ જજોની બેન્ચે આ મોટો ર્નિણય આપતાં કહ્યું કે, નાના પેકેટમાં નારિયેળ તેલને ખાદ્ય તેલ તરીકે વર્ગીકૃત કરી શકાય છે. આ ર્નિણય પરથી સ્પષ્ટ થાય છે કે, વાળમાં નાખવાના તેલ તરીકે તેના પર ૧૮% ટેક્સ લાગે છે, પરંતુ તેને ખાદ્ય તેલ તરીકે વેચાણ કરવામાં આવે, તો તેના પર ૫% જ ટેક્સ લાગશે, જેથી ૧૩ ટકા ટેક્સ બચશે. સ્વાભાવિક છે કે, કંપનીઓને આ ર્નિણયથી ફાયદો થયો છે, જે લોકો તેનો હેર ઓઈલ તરીકે ઉપયોગ કરે છે, તેમને પણ ફાયદો મળશે.
સુપ્રીમ કોર્ટે આ મામલે ર્નિણય કરવામાં ૧૫ વર્ષનો સમય લીધો હતો. વર્ષ ૨૦૦૯ માં CESTAT એ ઉદ્યોગના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. તેને ટેક્સ ઓછો કરીને ખાદ્ય તેલ તરીકે વર્ગીકૃત કર્યું. ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચે આ મુદ્દે વિભાજિત ચુકાદો આપ્યો હતો. CJI સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી સર્વોચ્ચ અદાલતની ત્રણ જજની બેન્ચ સમક્ષ આ મુદ્દો આવ્યો હતો. કોર્ટે ૧૭ ઓક્ટોબરે ર્નિણય સુરક્ષિત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટના આ ર્નિણયની અસર અન્ય તેલની નાની બોટલોની કિંમતો પર પણ પડી શકે છે. કારણ કે ઓલિવ તેલ, તલનું તેલ અને મગફળીના તેલનો ઉપયોગ પણ રસોઈ બનાવવામાં તેમજ વાળમાં નાખવામાં માટે કરવામાં આવે છે. આ સાથે સુપ્રીમ કોર્ટ સમક્ષ મુદ્દો એવો હતો કે, શું નાના પેકેજ એટલે કે ૨ કિલોથી ઓછા વજનમાં વેચાતા નારિયેળ હેર ઓઈલને ૧૫૧૩ મથાળા હેઠળ ખાદ્ય તેલ ગણવું જોઈએ કે ૩૩૦૫ના મથાળા હેઠળ હેર ઓઈલ તરીકે ગણવું? સુપ્રીમ કોર્ટે બુધવારે સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનરની અરજીને ફગાવી દીધી છે, જેમાં નાના પેકેજમાં નાળિયેર તેલને હેર ઓઇલ તરીકે વર્ગીકૃત કરવા અને ૧૮ ટકા ટેક્સ લાદવાની માંગ કરવામાં આવી હતી.