ટ્રમ્પના કટ્ટર સમર્થક અને ચાહક ઈલોન મસ્કે ટ્રમ્પના નિવેદનને સમર્થન આપ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટેક ઉદ્યોગપતિ ઈલોન મસ્કે થોડા સમય પહેલાં જ H-1B વિઝાને સમર્થન આપ્યું હતું, પરંતુ હવે તેમણે પોતાના જ નિવેદન પર પલટી મારતાં H-1B વિઝામાં કડક સુધારાઓ કરવાની સલાહ આપી છે. ઈલોન મસ્કે ટિ્વટ કર્યું છે કે, જે સિસ્ટમ, વિદેશી યુવાનોને અમેરિકામાં કામ કરવાની તક આપતી હતી, તેમાં હવે ખૂબ છે. તેને ફરીથી યોગ્ય કરવાની દિશામાં કામ કરવાની જરૂર છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા પ્રત્યે નરમ વલણ દર્શાવતાં તેમના જ સમર્થકો વચ્ચે વિખવાદ ઉભો થયો છે. ટ્રમ્પના કટ્ટર સમર્થક અને ચાહક ઈલોન મસ્કે ટ્રમ્પના નિવેદનને સમર્થન આપ્યું હતું. પરંતુ અન્ય સમર્થક લોરા લૂમરે આકરો વિરોધ દર્શાવતાં ઈલોન મસ્કની પણ નિંદા કરી હતી.
ટ્રમ્પની H-1B વિઝા મુદ્દે નીતિનો વિરોધ દર્શાવતાં સમર્થકોને અગાઉ ઈલોન મસ્ક અને ભારતીય-અમેરિકી ઉદ્યમી વિવેક રામાસ્વામીએ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ બંને ટ્રમ્પની ટીમનો હિસ્સો બનવાના છે. એલન મસ્ક પોતે પણ H-1B વિઝાની મદદથી સાઉથ આફ્રિકાથી માઈગ્રેટ થઈને અમેરિકા સ્થાયી થયા હતાં. તેમણે હાલમાં જ ટિ્વટ કરી કે, આ પ્રોગ્રામ ખરડાઈ ગયો છે, અને તેમાં સુધારાની જરૂર છે.
મસ્કના H-1B વિઝા સમર્થન પર એક યુઝરે કમેન્ટ કરી હતી કે, અમેરિકાએ વિશ્વનું મોસ્ટ ઈલાઈટ ટેલેન્ટ બનવું જોઈએ, પરંતુ H-1B વિઝા પ્રોગ્રામની મદદથી નહીં. જેનો જવાબ આપતાં મસ્કે કહ્યું કે, લઘુત્તમ પગાર વધારો અને H-1B વિઝાને જાળવી રાખવા માટે થતો વાર્ષિક ખર્ચ ઉમેરી તેને સરળ બનાવી શકો છો. જેથી વિદેશીઓની ભરતી કરવી મોંઘી બનશે. ટ્રમ્પે ચૂંટણી સમયે ઈમિગ્રેશન મુદ્દે આકરૂં વલણ દર્શાવવાનું વચન આપતાં અમેરિકન્સે મતો આપ્યા હોવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ ટ્રમ્પ હવે ઈમિગ્રેશન મુદ્દે નરમ વલણ દર્શાવતાં જોવા મળ્યા છે.
તેમાં પણ ટ્રમ્પે પોતાની ટીમમાં ભારતીય મૂળ શ્રીરામ કૃષ્ણનની એઆઈ એડવાઈઝર તરીકે નિમણૂક કરતાં તેમના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ટ્રમ્પની સમર્થક લોરા લૂમરે જણાવ્યું કે, શ્રીરામ કૃષ્ણનની નિમણૂકથી ખૂબ પરેશાન છું. કૃષ્ણન ગ્રીન કાર્ડની સંખ્યા પર તમામ પ્રતિબંધો દૂર કરવાની તરફેણમાં છે. જેથી કૃષ્ણનની નિમણૂકથી ઈમિગ્રેશનની સંખ્યા ઘટવાના બદલે વધવાની ભીતિ અમેરિકન્સમાં જોવા મળી છે.