Last Updated on by Sampurna Samachar
ધમાકામાં અત્યાર સુધીમાં ૧૦ લોકોનાં મોત તો ત્રીસ ઘાયલ
હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનના ક્વેટા શહેરમાં સ્થિત સેનાના ફ્રન્ટિયર કોર્પ્સ મુખ્યાલય પાસે જોરદાર વિસ્ફોટ થયો અને ત્યારબાદ અચાનક ગોળીબાર થયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે વિસ્ફોટના કારણે આસપાસના ઘરો અને ઇમારતોની બારીઓના કાચ તૂટી ગયા હતા. આ ધમાકામાં અત્યાર સુધીમાં ૧૦ લોકોનાં મોત થયા હોવાના અને આશરે ૩૦ થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.
વિસ્ફોટ બાદ બલૂચિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી બખ્ત મુહમ્મદ કાકર અને સ્વાસ્થ્ય સચિવ મુજીબ-ઉર-રહેમાન દ્વારા સિવિલ હોસ્પિટલ ક્વેટા, બીએમસી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. સ્વાસ્થ્ય વિભાગે આદેશ આપ્યો છે કે તમામ સલાહકારો, ડૉક્ટર્સ, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ અને પેરામેડિકલ સ્ટાફ તાત્કાલિક ફરજ પર હાજર થાય. આ સાથે જ, ઘાયલો અને મૃતકોના મૃતદેહોને ક્વેટા સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે.
શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો
સૂત્રોના જણાવ્યા મુજબ, વિસ્ફોટ પછી શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધમાકા પછી ઘટનાસ્થળે ફાયરિંગના અવાજો પણ સંભળાયા હતા, જેના કારણે લોકો સલામત સ્થળે જતા રહ્યા હતા. ધમાકા બાદ ઘટનાસ્થળેથી ધૂમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા.