Last Updated on by Sampurna Samachar
હાઇકોર્ટ રાજ્ય સરકારથી આ બાબતે નારાજ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રખડતાં ઢોર, ગેરકાયદે પાર્કિંગ અને દબાણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. ખાણી-પાણીની લારીઓએ કરેલા દબાણ મુદ્દે પણ હાઇકોર્ટ નારાજ છે. ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે, કોર્ટના ૬૨ આદેશ બાદ પણ સ્થિતિ એવીને એવી જ છે. ત્યારે રાજ્ય સરકાર વતી સરકારી વકીલ જી. એચ. વિર્કે જવાબ આપ્યો હતો. સરકારી વકીલ અનુસાર દબાણો અને પાર્કિંગના મુદ્દે તંત્ર સતત કામગીરી કરે છે. દબાણો દૂર થયાના થોડા દિવસોમાં ફરીથી દબાણો થાય છે.
અમદાવાદમાં રખડતાં ઢોર અને શહેરમાં વધી રહેલાં દબાણને લઈને તબક્કાવાર સુનવણી ચાલી રહી છે. જેમાં હાઇકોર્ટના નિર્દેશનું પાલન ન કરવું અને આદેશોના તિરસ્કાર બદલ અરજી દાખલ કરવામાં આવી હતી. છેલ્લા સાડા છ વર્ષથી આ સુનાવણી ચાલી રહી છે. જેમાં ૬૨ જેટલા આદેશ આપવામાં આવ્યા છે.
પરંતુ અધિકારીઓ દ્વારા તેનું પાલન ન કરાવાતા હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું અને જવાબદાર અધિકારીઓના નામ માંગવામાં આવ્યા છે. આ સિવાય આ અધિકારીઓ સામે ચાર્જશીટ ફાઇલ કરવા સુધીની પણ કોર્ટ દ્વારા તૈયારી દાખવવામાં હતી. પરંતુ, સરકાર દ્વારા બાહેંધરી આપવામાં આવી છે કે, તંત્ર આ મુદ્દે સતત કાર્યવાહી કરી રહી છે.
સમગ્ર બાબતે સરકારી વકીલની બાહેંધરી બાદ હાઇકોર્ટે પોલીસ પ્રશાસન પર ગંભીર અવલોકન કરતાં કહ્યું કે, અમે પોતે પણ જોયું છે કે, જાહેર રસ્તા પર દબાણના કારણે ટ્રાફિક થાય છે અને ત્યાંથી પોલીસ વાન પસાર થતી હોય તો તેઓ વાનની બહાર પણ નથી નીકળતા. તેઓને જે કામ કરવા માટે મહેનતાણું મળે છે તેમ છતાં તેઓ કામગીરી નથી કરતાં. હાઇકોર્ટના આ મૌખિક અવલોકન બાદ સરકારી વકીલ દ્વારા થોડા સમયની માંગ કરવામાં આવી હતી. હવે આ વિશે વિગતવાર સુનાવણી ૬ ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.