Last Updated on by Sampurna Samachar
હાલ સવારે અને રાત્રીના સમયે ઠંડી અને બપોરના સમયે ગરમી પડી રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી ૭ દિવસને લઈને આગાહી કરી છે. જેમાં આગામી ૨-૩ ફ્રેબુઆરીએ રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ૭ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
રાજ્યમાં વહેલી સવારે અને રાત્રીના સમય ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ૫ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય તેવી આગાહી કરી છે. જ્યારે રાજ્યમાં સિનોપ્ટિક સિચ્યુએશનમાં ઉત્તર પશ્ચિમી પવનો રાજ્યના નીચલા સ્તરમાં પ્રવર્તતી સ્થિતિ જોવા મળી રહી છે.
હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં આગામી ૦૨ ફ્રેબુઆરીએ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ૦૩ ફ્રેબુઆરીએ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર સહિત ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ માવઠાની હવામાન વિભાગની આગાહી છે.