Last Updated on by Sampurna Samachar
સખત વરસાદ અને ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થઈ ગયા
રાજકોટના કલેક્ટરે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટને કરી હતી જાણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના મોરબી, રાજકોટ અને જામનગરના ૪૭ સિનિયર સિટીઝનનું એક જૂથ ઉત્તરાખંડમાં ભારે વરસાદમાં ફસાઈ ગયું હતું. ચારધામ યાત્રાએ ગયેલા આ શ્રદ્ધાળુઓ કેદારનાથથી પરત ફરતી વખતે ગૌરીકુંડ નજીક ફસાઈ ગયા હતા. જોકે, હવે તમામ લોકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. તેમને એક સ્થાનિક હોટલમાં આશ્રય અપાયો હતો. બાદમાં રસ્તો ખૂલી જતાં તમામ શ્રદ્ધાળુ ગૌરીકુંડથી સોનપ્રયાગ જવા રવાના થઈ ગયા છે.
મળતી માહિતી મુજબ આ શ્રદ્ધાળુઓનું જૂથ કેદારનાથ દર્શન કરીને પરત ફરી રહ્યું હતું ત્યારે ઉત્તરાખંડના ગૌરીકુંડ નજીક ભારે વરસાદ કારણે ફસાઈ ગયું હતું. અહીં સખત વરસાદ અને ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થઈ ગયા હતા. જેના કારણે તેઓ આગળ વધી શક્યા નહોતા. આ ઘટનાની જાણ થતાં જ રાજકોટના કલેક્ટર દ્વારા તાત્કાલિક સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરાઈ હતી.
સેંકડોની સંખ્યામાં લોકો ઘર વિહોણા થયા
આ દરમિયાન તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી અને ફસાયેલા લોકોનો સંપર્ક કરાોય હતો. હાલ તમામ ૪૭ યાત્રાળુ સલામત છે અને તેમને ગૌરીકુંડ નજીકની એક હોટલમાં રોકવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા તેમને ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. વરસાદ બંધ થતાં માર્ગ ખૂલી જતાં તમામ શ્રદ્ધાળુઓ ગૌરીકુંડથી સોનપ્રયાગ જવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટનાથી યાત્રાળુઓના પરિવારોમાં ચિંતાનો માહોલ હતો, પરંતુ તમામ સુરક્ષિત હોવાના સમાચાર મળતાં તેમને રાહત થઈ છે. જમ્મુ-કશ્મીર અને ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં તથા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ આકાશી આફતે કહેર વર્તાવ્યો છે, જેના કારણે ઉત્તર ભારતના અનેક રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓથી તબાહીના દ્રશ્યો સામે આવી છે.
કુદરતે સર્જેલી આ ગંભીર પરિસ્થિતિને કારણે સેંકડોની સંખ્યામાં લોકો ઘર વિહોણા થયા છે, તો ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. ભૂસ્ખલનને કારણે માર્ગ બંધ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે અને હજારોની સંખ્યામાં લોકો અટવાયા છે, ત્યારે ગુજરાતના યાત્રીકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.