Last Updated on by Sampurna Samachar
વ્યારાની ગલીમાંથી બોલિવુડની સફર સુધીની કહાની જુઓ
૬૦૦૦ ઓડિશન્સમાંથી પસંદ થયેલી કલાકાર છે જયનિશા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દક્ષિણ ગુજરાતના વ્યારા શહેરની ૧૫ વર્ષની યુવતી, જયનિશા નાયક, આજે માત્ર પોતાની શાળા કે પરિવાર માટે નહીં, પણ સમગ્ર જિલ્લાની શાન બની છે. નાની ઉંમરમાં અભિનય ક્ષેત્રે વિશાળ સફળતા મેળવનારી જયનિશાએ દર્શાવ્યું છે કે મહેનત, પ્રતિભા અને મનોબળ સાથે સપનાઓને સાકાર કરી શકાય છે.
વાત કરીએ તો જયનિશા અજય દેવગણ પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ “મા”માં કાજોલની સાથે જોવા મળશે. આ હોરર-ડ્રામા ફિલ્મમાં તેણે એક “POSSESSED GIRL” (ભૂતગ્રસ્ત છોકરી)ની અગત્યની ભૂમિકા ભજવી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ માટે સમગ્ર દેશમાં થયેલી ૬૦૦૦ થી વધુ ઓડિશન્સમાંથી માત્ર ૬ છોકરીઓ પસંદ કરવામાં આવી હતી, જેમાં ગુજરાતમાંથી પસંદ થનારી એકમાત્ર કલાકાર જયનિશા હતી.
મોડેલિંગથી અભિનય સુધીની સફર
ટેલિવિઝન અને વેબ સિરીઝની સફરમાં, સુહાગન, દહેજદાસી, DUSTBIN વેબ સિરીઝ જેવા વિવિધ મંચો પર જયનિશાએ પોતાની અભિનય ક્ષમતા અને ભાવ પ્રગટ કરવાની અદભુત કલા દ્વારા દર્શકોના દિલ જીતી લીધા છે. ઉપરાંત, રોનિત રોય જેવા અનુભવી કલાકાર સાથે “બેટી બચાવો, બેટી પઢાવો” થીમ આધારિત શોર્ટ ફિલ્મ “THE LITTLE FIREFLY” માં પણ ભાગ લીધો છે.
મોડેલિંગથી અભિનય સુધીની સફર છે જયનિશાની. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી અને અત્યાર સુધીમાં ૯ થી વધુ ટાઇટલ્સ અને વિજેતાપદ મેળવ્યા છે. તેની માતા સોનીકાબેને તેનામાં રહેલા જઝ્બો અને પ્રતિભાને ઓળખી તેને યોગા, જીમ, ફેશન શો અને સ્વિમિંગ જેવી તાલીમ આપી હતી. તે આજે પણ દરરોજ સવારે આ શિસ્તભર્યા અભ્યાસ દ્વારા પોતાને વધુ પુખ્ત બનાવી રહી છે.
સપનાની પાછળ ઊભા છે જયનિશાના પિતા સુધાકરભાઈ નાયક, જે વ્યારામાં પ્લમ્બર તરીકે કામ કરે છે, અને માતા સોનીકાબેન, જેઓ તેમના દરેક સપનું સાકાર કરવા માટે અડીખમ મહેનત કરે છે. તેમના ૬ સભ્યોના પરિવારમાં ત્રણ બહેનો અને એક ભાઈ છે, જે તમામ જયનિશાને સતત સહારો અને પ્રોત્સાહન આપે છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન ૭-સ્ટાર હોટલ અને પ્લેન યાત્રાનો આનંદ તેમના માટે એક નવો અનુભવ રહ્યો છે.
વિપરીત પરિસ્થિતિઓને અવગણીને આગળ વધવું, નાની ઉંમરે મોટું સપનું જોવું અને તેને સાકાર કરવાનો સાહસિક ઉદાહરણ એટલે – જયનિશા નાયક. વ્યારાની ગલીમાંથી બોલિવૂડના સ્ટુડિયો સુધીની તેમની સફર કોઈ ફિલ્મી કહાણી નહીં, પરંતુ એક સચોટ જીવનપ્રેરણા છે.