Last Updated on by Sampurna Samachar
સ્નેહા દેસાઈને લાપતા લેડીઝ ફિલ્મ માટે ઍવોર્ડ
જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ કેટેગરીમાં ઍવોર્ડ મળ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
આ વખતે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) ઍવોર્ડ શૉ ભારતમાં હોસ્ટ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જયપુરમાં આયોજિત આ ઍવોર્ડ શૉમાં વર્ષના બેસ્ટ પરફોર્મન્સને વિવિધ કેટેગરીમાં ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં આ વખતે ગુજરાતી કલાકારોનો પણ દબદબો રહ્યો હતો. IIFA માં આ વર્ષે પહેલીવાર એવું બન્યું છે કે કોઈ બે ગુજરાતી કલાકારને ઍવોર્ડ મળ્યો હોય.
IIFA માં પહેલીવાર કોઈ બે ગુજરાતી કલાકારને ઍવોર્ડ મળ્યો હતો. જેમાં સ્નેહા દેસાઈને લાપતા લેડીઝ ફિલ્મ માટે બેસ્ટ સ્ક્રીન પ્લે માટે ઍવોર્ડ આપવામાં આવ્યો હતો. જયારે ફિલ્મ શેતાન માટે જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ કેટેગરીમાં ઍવોર્ડ મળ્યો હતો.
બે ગુજરાતી અભિનેત્રી સન્માનિત
કિરણ રાવ દ્વારા નિર્દેશિત અને આમિર ખાનના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલી ફિલ્મ લાપતા લેડીઝ ૧ માર્ચ, ૨૦૨૪ના રોજ થિએટર્સમાં રિલીઝ થઈ હતી. જો સ્નેહા દેસાઈ વિશે વાત કરીએ તો તેણે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન મુંબઈની પ્રતિષ્ઠિત કૉલેજોમાંની એક નરસી મોંજી ઇન્સ્ટિટ્યૂટમાંથી કર્યું છે. ત્યારબાદ આલાપ દેસાઈ સાથે લગ્ન કર્યા, જેનો આખો પરિવાર સંગીત અને થિયેટર સાથે સંકળાયેલો છે. મુંબઈમાં ગુજરાતી નાટકો માટે લોકોમાં ક્રેઝ છે, આથી મિત્રોના કહેવાથી તેમણે લખવાની શરુઆત કરી.
નાટકો બાદ તેમને ટેલિવિઝન સિરિયલના નિર્માતાઓ આતિશ કાપડિયા અને જેડી મજીઠિયાએ મને સિરિયલ લખવાની ઓફર કરી અને વાગલે કી દુનિયા અને પુષ્પા ઇમ્પોસિબલ લખવાનું શરુ કર્યું. સ્નેહા ગુજરાતી છે, તેમજ ઘણી સિરિયલો અને નાટકો લખ્યા છે, આથી આમીરખાનના પુત્ર જુનૈદની પહેલી ફિલ્મ મહારાજ માટે પણ તેમને જ કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેણે ડાયલોગ લખવામાં પણ હાથ અજમાવ્યો. ત્યારબાદ લાપતા લેડીઝ ફિલ્મમાં સ્ક્રીન પ્લેની ઓફર મળી હતી.
ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને ફિલ્મ શૈતાન માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઍવોર્ડ મળ્યો છે. જાનકીનો જન્મ ૩૦ ઑક્ટોબર, ૧૯૯૫ ના રોજ અમદાવાદમાં ભરત અને કાશ્મીરા બોડીવાલાને ત્યાં થયો હતો. તેમનો એક ભાઈ ધ્રુપદ બોડીવાલા છે. જાનકીએ પોતાનું શાળાકીય શિક્ષણ અમદાવાદની એમ કે સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલમાંથી કર્યું છે. તેમણે ગોએન્કા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેન્ટલ સાયન્સ, ગાંધીનગરમાંથી બેચલર ઑફ ડેન્ટલ સર્જરી ડિગ્રી સાથે ગ્રેજ્યુએશન કર્યું છે.
જાનકીએ મિસ ઇન્ડિયા ૨૦૧૯ માં પણ ભાગ લીધો હતો જ્યાં તે મિસ ઇન્ડિયા ગુજરાતના ટોપ ૩ ફાઇનલિસ્ટમાં સ્થાન પામી હતી. જાનકીએ તેના કરિયરની શરુઆત કૃષ્ણદેવ યાજ્ઞિક નિર્દેશિત ફિલ્મ છેલ્લો દિવસથી કરી હતી.
જાનકીએ ઓ! તેરી, તંબુરો, દાઉદ પકડ, નાડીદોષ અને વશ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. જેમાં વશએ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ અને વર્ષ ૨૦૨૪માં અજય દેવગણ, જ્યોતિકા અને આર. માધવન સાથે વિકાસ બહલે તેની હિન્દી રિમેક શૈતાન બનાવી હતી, જેમાં પણ જાનકીએ એક્ટિંગ કરી હતી.