કુલપતિની ગાડી સામે દારૂની બોટલો ફેંકાતા હોબાળો મચ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં ગેરરિતી કરતા ૧૬૪ વિદ્યાર્થીઓ પકડાયા છે. દરમ્યાન ABVP નાં બે જૂથો વચ્ચે માથાકૂટ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.
સુરત શહેરની VNSGU ફરી વિવાદને લઈને ઘેરાઈ છે. અનેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરિતી આચરતા પકડાયા અને કારોબારીમાં મહત્વનું પદ ના મળતા નારાજ થયેલા વિદ્યાર્થીઓએ હંગામો મચાવતા બે જૂથો વચ્ચે બબાલ થઈ અને મામલો પોલીસ સ્ટેશને પંહોચ્યો હતો. VNSGU માં કુલપતિની ગાડી સામે દારૂની બોટલો ફેંકાતા હોબાળો મચ્યો. ABVP ની કારોબારી જાહેર કરવામાં આવી હતી.
ત્યારે આ કારોબારીમાં મહત્વનું પદ ન મળતા વિદ્યાર્થીઓ નારાજ થયા હતા. વિદ્યાર્થી વિજય કટારિયાને મહત્વનું પદ ન મળતા નારાજ થતા યુવા મહોત્સવમાં ખલેલ પહોંચાડી હતી. આ મામલો વધુ જોર પકડતા ABVP ના બે જૂથો વચ્ચે લડાઈ થઈ અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પંહોચ્યો. હંગામાને લઈને વેસુ પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ છે.
શહેરની વીર નર્મદ યુનિવર્સિટીમાં નવેમ્બર અને ઓક્ટોબરમાં યોજાયેલ પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરિતી આચરી હતી. ગેરરીતિમાં પકડાયેલા ૧૬૪ વિદ્યાર્થીઓને દંડ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓને ૨૫૦૦થી માંડીને ૧૦ હજાર સુધીનો દંડ કરાયો. મોટાભાગના વિદ્યાર્થીઓ પર પરીક્ષાઓમાં સાહિત્ય લાવવા અને ગેજેટ લાવવાના કેસ નોંધાયા. તો કેટલાક વિદ્યાર્થીઓ રબર સહિતની સ્ટેશનરી પર જવાબ લખીને લાવ્યા હતા. તેમજ ઉત્તરવહીમાં વિગતો ભરવામાં જાણી જોઈને ભૂલ કરી હોય તેવા કેસ પણ સામે આવ્યા હતા. જોકે વિદ્યાર્થીઓએ ગેરરીતિ મામલે ભૂલ થઈ ગઈ હોવાનું કમિટી સમક્ષ કબુલાત કરી હતી. આમાંથી કેટલાક વિદ્યાર્થીઓને તેમની સામાન્ય ભૂલને નિર્દોષ છોડી દેવાયા છે.