યુવતીને જબરદસ્તીથી દારૂ પીવડાવી દુષ્કર્મ આચરતો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિવસે ને દિવસે રેપ, મર્ડર અને છેડતીના બનાવો વધી રહ્યા છે. દીકરીઓ ઘરે કે બહાર ક્યાંય સુરક્ષિત નથી એવી સ્થિતિ બની ગઈ છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં રહેતી મહિલાના જ મિત્રએ તેણીની પુત્રી પર દાનત બગાડી હતી. મહિલાનો મિત્ર અવારનવાર ઘરે આવતો હતો. જ્યાં મહિલાના ઘરે રહેલી તેણીની ૧૮ વર્ષીય દીકરી પર મિત્રએ જ દાનત બગાડી હતી. મહિલા અને તેના પતિની ગેરહાજરીનો લાભ લઈ યુવતી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે.
બનાવની વિગતો જોઈએ તો, મહિલાનો મિત્ર અવારનવાર તેના ઘરે આવીને તેની ૧૮ વર્ષની દીકરી પર દુષ્કર્મ કરતો હતો. આરોપી પોતે તો દારૂ પીતો જ હતો પરંતુ યુવતીને પણ જબરદસ્તીપૂર્વક દારૂ પીવડાવી તેણી પર દુષ્કર્મ આચરતો હતો. વારંવાર દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી પોતાના સબંધીના ત્યાં ચાલી ગઈ હતી. જ્યાં સબંધીના ત્યાં ગયેલી યુવતીએ ઘરના સભ્યો અને સાવકા પિતાને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ હિંમત દાખવી પરિવારના સભ્યોને જાણ કરતા અંતે મામલો અડાજણ પોલીસ મથકમાં પહોંચ્યો હતો. જ્યાં પર્વત પાટિયાની આર.બી.સી. પી. પ્રાથમિક શાળાના સંચાલક અને ફાઇનાન્સર કેતન પરમારની કરતૂતોનો ભાંડો ફૂટતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
મહત્વનું છે કે નરાધમ કેતન પરમાર પર્વત પાટિયા વિસ્તારમાં પ્રાથમિક શાળાનો સંચાલક છે. જે શાળામાં બાળકોને શિક્ષણનું જ્ઞાન આપવામાં આવે છે, સરસ્વતીનું ધામ ચલાવતા કેતન પરમારે જ યુવતી પર ઘૃણાસ્પદ કૃત્ય આચરવામાં આવ્યું હતું. જેને લઈ શિક્ષણ જગતમાં પણ ભારે ખળભળાટ મચી ગયો છે.
શાળા સંચાલકની આ કરતૂત બાદ અન્ય શિક્ષણ આલમના લોકો પણ સંચાલક સામે ભારે ફિટકાર વર્ષાવી રહ્યા છે. જ્યાં હાલ તો નરાધમ શાળા સંચાલકની ધરપકડ કરી અડાજણ પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જ્યાં નરાધમ વિરુદ્ધ ચારે તરફથી ભારે ફિટકાર પણ લોકો વર્ષાવી રહ્યા છે.