મહાન વિભૂતિઓની ઉંચી પ્રતિમાની સફાઈ ન થતા હાલત થઇ ખરાબ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરમાં ઠેક ઠેકાણે મહાન વિભૂતિઓની પૂર્ણ કદની અથવા તો અર્ધ કદની પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે. આ તમામ પ્રતિમાની નિયમિત સફાઈ થતી નથી જેના કારણે હાલત બદતર બની છે. વડોદરા શહેરમાં આશરે આવી ૩૨ પ્રતિમાઓ મૂકવામાં આવી છે. આ પ્રતિમાઓની કાળજી ત્યારે જ લેવાય છે, જ્યારે જન્મ જયંતિ હોય અથવા તો પુણ્યતિથિ હોય. બાકીના દિવસોમાં પક્ષીઓની ચરકથી અથવા તો ધૂળ માટી ઉડવાથી તે ગંદી બનેલી હોય છે.
આરટીઆઈ એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર તથા વોર્ડ નંબર એકના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ કોર્પોરેશનમાં આ અંગે વારંવાર રજૂઆત કરવામાં પણ આવી છે, અગાઉ તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે નિયમિત સાફ-સફાઈ કરવામાં આવશે, પરંતુ કશું થયું નથી. સામાજિક કાર્યકરના કહેવા મુજબ તંત્ર દ્વારા અગાઉ પ્રતિમાઓની સફાઈ થતી હતી, અને પ્રતિમા ઉપર ઓઇલ જેવું પ્રવાહી લગાવતા હતા. જેના કારણે પ્રતિમાઓ ચક ચકીત જણાતી હતી. આ બધું બંધ કરી દેવાયું છે. હજુ તાજેતરમાં બંધારણ દિનની ઉજવણી કરવામાં આવી ત્યારે રેસકોર્સ સર્કલ ખાતે ડો. આંબેડકરની પ્રતિમા પણ ધૂળ ધૂળ હતી, તેની મહિલા કોર્પોરેટરના પતિએ જાતે સફાઈ કર્યા બાદ પુષ્પહાર કર્યા હતા.
ચકલી સર્કલ પાસે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની અર્ધ કદની પ્રતિમા છે. આ પ્રતિમા પણ ખૂબ જ ખરાબ હાલતમાં છે. જેની આસપાસ ઘણી વખત મરેલા કબૂતરો પડેલા હોય છે. પ્રતિમા ઉપર પક્ષીઓની હગાર ચોટેલી હોય છે, તે સાફ કરવામાં આવતી નથી. અગાઉ કોર્પોરેશનના પદાધિકારીએ કહ્યું હતું કે સંસ્કાર નગરીને છાજે તે રીતે કોર્પોરેશન આ મહાન વિભૂતિઓની પ્રતિમાઓનો રખ રખાવ કરશે. જે પ્રતિમા ઊંચી છે ત્યાં પુષ્પહાર અર્પણ કરવા માટે દર વખતે સીડીનો માચડો બાંધવાનો ખર્ચ થાય છે. કાયમી ધોરણે માચડાના સ્ટ્રકચર બનાવીને ખર્ચ બચાવવાનો પણ વિચાર કર્યો છે.