પાર્કની દીવાલ કૂદીને આવેલા એક દીપડાએ એક કાળિયારનો શિકાર કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ જંગલ સફારીમાં ૪૦૦ CCTV કેમેરા હોવા છતાં દીપડો દીવાલ કૂદ્યો અને ૧ કાળિયારનો શિકાર કર્યો હતો. દીપડાના આતંકના આઘાતથી પાંજરામાં કેદ ૫ કાળિયારના મોત થવાની ઘટના બની છે. દીપડાના ડરથી ફરજ પરના ૭ કર્મચારી સંતાઈ ગયા, અને પ્રાણીઓમાં હાહાકાર મચી ગયો હતો. જ્યાં રોજ ૧૦ હજાર પ્રવાસીઓ મુલાકાતે આવે છે ત્યારે આ ઘટના મુસાફરોની સુરક્ષા સામે સવાલો ઉભી કરે છે.
કેવડિયામાં ૩૭૫ એકરમાં બનાવામાં આવેલા જંગલ સફારીમાં ૧ જાન્યુઆરીએ મોડી રાત્રે પાર્કની દીવાલ કૂદીને આવેલા એક દીપડાએ એક કાળિયારનો શિકાર કર્યો હતો. દીપડાને જોઈ ૫ કાળિયાર આઘાતથી મૃત્યુ પામ્યા હતા. બે વર્ષ પહેલાં પણ દીપડાએ હરણના બચ્ચના શિકાર કરતાં સલામતી માટે તેમને પાંજરામાં પૂરવામાં આવ્યા હતા. પરંતુ મેનેજમેન્ટ બદલાયા પછી હરણ સહિતના પ્રાણી છૂટા રાખવામાં આવે છે. પરંતું બીજી તરફ નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં દીપડાના સંખ્યા વધી રહી છે. ગત વર્ષે દીપડાએ આ વિસ્તારની બે મહિલાને ફાડી ખાધી હતી.
દીપડાને શોધવા વન-વિભાગની ટીમો જંગલ ખૂંદી રહી છે. ઝુ કિપરે દીપડાને હરણના મૃતદેહની બાજુમાં બેઠેલો જાેયો હતો. કોલાહલ થતાં દીપડો શિકાર મકી દઈ દિવાલ કૂદી ફરી જંગલમાં ભાગી ગયો હતો. પાર્કમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પરથી જાણવા મળ્યું હતું, કે દીપડો કેનાલ રોડ પર આંટાફેરા મારી રહ્યો હતો. અચાનક દિવાલ કૂદી હરણ હતા, ત્યાં આવી ગયો હતો. ત્યારે દીપડો જંગલ સફારી પાર્કમાં છે કે બહાર ગયો તે તપાસનો વિષય છે. જો દીપડો જંગલ સફારીમાં જ છુપાયો હોય તો પછી તેને આવડી મોટી જંગલ સફારીમાં કચરામાં સોય શોધવા જેવી બાબત છે.
સરકારી નિયમ મુજબ જંગલ સફારી પાર્કમાં જ પશુ ચિકિત્સકની હાજરીમાં પોસ્ટ મોર્ટમ કરી અગ્નિદાહ અપાયો હતો. આખો વિસ્તાર સી.સી.ટી.વી થી કવર કરેલો છે એટલે એ દીપડો ક્યાં છે, એની તપાસ ચાલુ છે. આ ઘટનાનો અમે વાઈલ્ડ લાઈફ PCCF અને સરકારમાં રિપોર્ટ કરી દીધો છે.