આ વર્ષે ‘સૂટકેસ પતંગ’ નો ટ્રેન્ડએ આકર્ષણ જમાવ્યું
મોદી-શાહ-યોગીની ત્રિપુટીવાળા પતંગોની પણ બજારમાં ખૂબ માંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ગુજરાતના રાજકોટની ઓળખ રંગીલા શહેર તરીકેની છે. અહીં દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તહેવાર માટેની તૈયારીઓ ૧૫ દિવસ અગાઉથી શરૂ થાય છે. હવે જ્યારે ઉત્તરાયણનો તહેવાર નજીક છે, ત્યારે પતંગ બજારમાં ઘણો ઉત્સાહ છે.
રાજકોટનાં પતંગ બજારમાં ખંભાત, બરેલી અને જયપુરી પતંગોની ભારે માંગ છે. સ્પાઇડરમેન અને ટાઇગર પતંગો આ વર્ષે બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. ખાસ પતંગ પ્રેમીઓ માટે ‘સુટકેસ કાઇટ’ એ એક અલગ જ ચર્ચા જગાવી છે. મોદી-શાહની જોડી અને મોદી-શાહ-યોગીની ત્રિપુટીવાળા પતંગોની પણ બજારમાં ખૂબ માંગ છે. આ સિવાય પ્રખ્યાત ટ્રેન્ડ ‘પુષ્પ ૨ ઉડેગા નહીં તો ક્યા ઉડેગા’ના પતંગો પણ દેશભરમાં ધૂમ મચાવી રહ્યા છે.
પતંગ વેપારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે પતંગોની ઘણી નવી જાતો બજારમાં આવી છે. પ્લાસ્ટિકના પતંગોમાં, પુષ્પા, ચંદ્રયાન અને કાર્ટૂન પાત્રોવાળા પતંગોને લોકો ખૂબ પસંદ કરે છે. રાજકોટનું સદર બજાર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પતંગ ખરીદવાનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. આ વર્ષે પતંગોનું વેચાણ ગયા વર્ષની સરખામણીએ ૨૫% વધ્યું છે. વેપારીઓએ ત્રણ મહિના અગાઉથી સ્ટોક તૈયાર કર્યો હતો. પતંગો અને માંઝાના ભાવમાં ૧૫% નો વધારો થયો છે.
આ વર્ષે ‘સૂટકેસ પતંગ’ નો ટ્રેન્ડ ઘણો જોવા મળી રહ્યો છે. એક સુટકેસ ૨૫ પતંગોના સમૂહ સાથે આવે છે, જેની કિંમત આશરે રૂપિયા ૪,૦૦૦ છે. આ પતંગોનો ઉપયોગ જયપુર અને બરેલીમાં પતંગ સ્પર્ધાઓમાં થાય છે અને હવે રાજકોટમાં પણ તેમની માંગ વધી રહી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, આ વખતે ઉત્તરાયણ દરમિયાન રાજકોટનું પતંગ બજાર આશરે રૂપિયા ૮ કરોડની કમાણી કરશે. હાલમાં જથ્થાબંધ ખરીદી જોરશોરથી ચાલી રહી છે અને જેમ જેમ ઉત્તરાયણ નજીક આવી રહ્યું છે તેમ તેમ છૂટક વેચાણમાં પણ તેજી આવવાની અપેક્ષા છે.