હેલીકોપ્ટરના લેન્ડીંગ દરમિયાન દુર્ઘટનાનો બનાવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પોરબંદર એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હોવાની ભયાનક ઘટના બની હતી. કોસ્ટગાર્ડના એર એન્કલવ પર ALH ધ્રુવ હેલિકોપ્ટર જે હતું તે ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં બે પાયલટ સહિત ૧ ક્રૂ મેમ્બરનું મોત નીપજ્યું હતું. આ ઘટના બની ત્યારે તાત્કાલિક ધોરણે કોસ્ટગાર્ડ ઓફિસર્સ, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં તેમણે બચાવ કામગીરી હાથ ધરી પરંતુ ત્યાં સુધીમાં ઘટનાસ્થળે જ પાયલટ અને ક્રૂ મેમ્બરના મોત નીપજ્યા હોવાના મીડિયા અહેવાલો મળી રહ્યા છે.
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે પોરબંદર એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. આ ALH ધ્રુવ હેલિકોપ્ટર તેના રૂટિન ફ્લાઈંગ શેડ્યૂલ પ્રમાણે ઊડાન ભરી રહ્યું હતું. આ સમયે જ્યારે તેનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું ત્યારે તે દુર્ઘટનાનો શિકાર બન્યું અને કયા કારણોસર ક્રેશ થઈ ગયું એની માહિતી સામે આવી નથી. પરંતુ એટલું પ્રાથમિક અહેવાલોમાં કહેવાયું છે કે તે લેન્ડિંગ સમયે ક્રેશ થઈ ગયું હતું અને બાદમાં આગ લાગતા તેના ફૂરચે ફૂરચા ઊડી ગયા હતા.
પોલીસ અધિકારી ભાગીરથ સિંહ જાડેજાએ જણાવ્યું કે આ ઘટના બપોરના ૧૨.૩૦ આસપાસ બની હતી. તેમણે પણ આ માહિતીની પુષ્ટી કરી હતી. આ ત્રણેય ચાલક દળના સભ્યો હેલિકોપ્ટરમાં સવાર હતા. જેમને દુર્ઘટના ઘટી એટલે તાત્કાલિક બહાર કાઢવાની તજવીજ શરૂ કરાઈ હતી. હેલિકોપ્ટરમાં આગ ફાટી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા ઊડવા લાગ્યા હતા. એટલું જ નહીં બાદમાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ત્યાં હાજર થઈ ગઈ અને બચાવ કામગીરીમાં ત્રણેયને ગંભીર હાલતમાં હેલિકોપ્ટરના કાટમાળમાંથી બહાર કઢાયા હતા.
આ ઘટનાક્રમમાં બે પાયલટ અને એક ક્રૂ મેમ્બર હતા જેમને ગંભીર હાલતમાં પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ ત્યાં સારવાર દરમિયાન ત્રણેયનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે પોરબંદર એરપોર્ટ પર આ હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાને લીધે હવે ત્યાં ઓપરેટ થતી કે લેન્ડ થતી ફ્લાઈટ્સના શેડ્યૂલ પણ રવિવાર પૂરતા બદલી કાઢવામાં આવ્યા હતા. હવે પોરબંદરથી ઓપરેટ થતી ફ્લાઈટ્સ રાજકોટ ડાયવર્ટ કરાઈ છે.