ગુગલ અને ઇન્ટરનેટના માધ્યમથી દેશી બોમ્બ બનાવવાનું શીખ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ રો હાઉસ ખાતે પાર્સલમાં બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી. પત્નીના અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકાના આધારે પતિ દ્વારા જ ફરિયાદીના ઘરે પાર્સલ બોમ્બ બ્લાસ્ટ કરાયો હતો. પોલીસે મુખ્ય આરોપી રુપેણ બારોટ સહિત અન્ય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
DCP ભરત રાઠોડે પત્રકાર પરિષદ કરી માહિતી આપતા કહ્યું હતું કે, “પાર્સલ બોમ્બમાં ગુનો દાખલ કરાયો હતો. જેમાં પાર્સલ ડિલિવરી કરનાર ગૌરવ ગઢવીને પકડી પાડ્યો હતો. ત્યાર બાદ ટીમે મુખ્ય સૂત્રધાર રુપેણ બારોટ અને બીજા રોહન ઉર્ફે રોકી રાવળને ઝડપી પાડ્યા છે. અલગ અલગ ટીમો બનાવી બંને આરોપીને પકડી લીધા હતા. તેમની પાસે કાર હતી અને બે જીવતા બોમ્બ અને એક દેશી તમંચો સહિત મુદ્દામાલ કબજે કર્યો છે. રુપેણ બારોટ ગુગલ અને ઇન્ટરનેટના માધ્યમથી દેશી બોમ્બ બનાવવાનું શીખ્યો હતો.”
રૂપેન રાવ અને તેની પત્ની હેતલ વચ્ચે ઝઘડો ચાલતો હતો. ૨૩ માર્ચે પત્ની હેતલ પિયર જતી રહી હતી. પત્ની હેતલ ગઈ તેની પાછળ આ બળદેવભાઈ સુખડિયા જે હાઈકોર્ટમાં વકીલના ક્લાર્ક કામ કરે છે તે જવાબદાર છે, તેવું રૂપેણ માનતો હતો. બળદેવભાઈએ જ હેતલને ઉશ્કેરણી કરી હોય તેવું લાગતા બળદેવભાઈને મારવા માટે ઈન્ટરનેટના માધ્યમથી બોમ્બ, તમંચો કઈ રીતે બનાવવો તે રિસર્ચ કરી બોમ્બ બનાવ્યો હતો. ગંધક, પાવડર, સર્કિટ, બેટરી અને એક સ્વીચ રિમોટથી ઓપરેટ થાય તે રીતે બોમ્બ બનાવ્યો હતો. રૂપેણ પાસેથી બોમ્બ બનાવવા લેથનું મશીન, બ્લેડ અને અન્ય મશીન મળી આવ્યા છે. છેલ્લા ૪ મહિનાથી આ પ્રક્રિયા કરતો હતો.
બોમ્બ બનાવ્યા બાદ ઘટનાની એક રાત્ર પહેલા રોહન સાથે પાર્સલ બળદેવભાઈના ઘરે મોકલ્યું હતું. પરંતુ બળદેવભાઈ ઘર ન હોવાથી પાર્સલ લઈ પરત આવ્યો હતો. બીજા દિવસે રોહનની જગ્યાએ ગૌરવ ગઢવી પાર્સલ લઈ બળદેવભાઈના ઘરે સવારે સાડા દસથી અગ્યારની વચ્ચે મોકલ્યો હતો. ગૌરવ પાર્સલ આપી દૂર ઉભો રહી ગયો હતો. આ સમયે બળદેવભાઈએ કહ્યું હતું કે, “મેં કોઈ પાર્સલ મંગાવ્યું નથી.” તે રકઝક વચ્ચે રૂપેણ દ્વારા રિમોટ વડે બ્લાસ્ટ કરી ભાગી ગયો હતો. બાદમાં હેતલબહેનના પિતા અને ભાઈને પણ આ પ્રકારના હથિયાર વડે મારવાની ફિરાકમાં હતો. પાર્સલ બ્લાસ્ટમાં બળદેવભાઈ તથા કાકાના દીકરા કિરીટભાઈ તેમજ પાર્સલ લઈ આવનાર ગૌરવને ઈજા થઇ હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપી રૂપેણને પત્ની સહિત તેમના પિતા ર્નિબળ હોવાનો અહેસાસ કરાવતા હતા. જેથી તે પરિવારથી એકલો પડી જતા મનમાં માઠું લાગી આવતા અને મેન ઈગો હઠ થતા દેશી બોમ્બ બનાવી આ લોકોને મારવાનો પ્લાનિંગ કર્યો હતો.