સ્ટેટ લેવલે કબડ્ડીના ખેલાડીનું રહસ્યમય રીતે મોત થતા પરિવાર આઘાતમાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુર્તત શહેરના પાલ વિસ્તારમાં રહેતો અને સ્ટેટ લેવલમાં કબડ્ડીના ખેલાડીનું રહસ્યમય મોતને લઈને પરિવાર આઘાતમાં સરી ગયું છે. કારણ કે, માત્ર ૨૫ વર્ષનો યુવક જીમથી આવ્યા બાદ ઘરે સોફા પર બેઠા બાદ ઢળી પડ્યો હતો અને મોડી સાંજે પરિવાર ઘરે પહોંચતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
બનાવની વિગતો જોઈએ તો, સુરતના પાલ સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી સ્ટેટ લેવલના કબડ્ડી ખેલાડીનું મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. ૨૫ વર્ષીય જય મુકુલભાઈ પ્રજાપતિ ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશનના કામકાજ સાથે સંકળાયેલો હતો. પરિવારમાં માતા ડાયમંડમાં કામ કરે છે અને પિતા ફર્નિચરમાં કામ કરે છે. સવારે નિત્યક્રમ પ્રમાણે જય જીમમાં ગયા બાદ ઘરે આવી ચાનો કપ લઈ હોલમાં આવેલા સોફા પર બેઠો હતો અને અચાનક તે ઢળી પડ્યો હતો.
પરિવાર સાંજે આવ્યા બાદ યુવક મૃતક અવસ્થામાં સોફા પર મળી આવતા બુમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. જાેકે, તબીબો અને ૧૦૮ની ટીમે આ યુવકને મૃત જાહેર કરતા પરિવારજન શોકમાં ગરકાવ થઈ ગયું હતું. ૨૫ વર્ષનો આ યુવક કબડ્ડી ક્ષેત્રે પરિવાર સાથે દેશનું નામ રોશન કરવા માટે માંગતો હતો જેને તેના સપના અધૂરા રહી ગયા હતા.
પ્રાથમિક તપાસમાં આ યુવકને હાર્ટ એટેક આવતા મોત થયા હોવાનું તબીબોએ જણાવ્યું હતું. હાલ પાર્થિવ દેહ નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી પીએમની કામગીરી શરૂ કરાવી છે. જાેકે, પીએમના રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે યુવકનું મોત કયા કારણોસર થયું છે. પણ ૨૫ વર્ષે યુવકના મોતને લઈ પરિવાર સાથે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.