કારની ટક્કરે બાઈકના અકસ્માતમાં વૃધ્ધ દંપત્તિ ફંગોળાયુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પાટણ ગામ પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગોજારા અકસ્માતમાં જામજોધપુરનું દંપત્તિ ખંડિત થયું છે. બાઈક સવાર ખેડૂત બુઝુર્ગનું પત્નીની નજર સમક્ષ અંતરિયાળ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે પત્નીને ઈજા થઈ છે.
આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં તિરુપતિ સોસાયટીમાં રહેતા અને ખેતી કામ કરતા કિશોરભાઈ ગોવિંદભાઈ સવસાણી નામના ૬૦ વર્ષના ખેડૂત બુઝુર્ગ સવારના અરસામાં પોતાના બાઈકમાં પત્ની પુષ્પાબેનને બેસાડીને પાટણ ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન સામેથી આવી રહેલ કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો, અને દંપત્તિ બાઈક પરથી ફંગોળાયુ હતું.
જેમાં કિશોરભાઈને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હોવાથી તેઓનું સ્થળ પર કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જયારે તેમના પત્ની પુષ્પાબેનને પણ પગ અને કમરના ભાગે ઈજા થઈ હોવાથી ઘાયલ બન્યા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાઈ મનસુખભાઈ ગોવિંદભાઈ સવસાણીયા પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસ સ્ટેશનના પોતાના સ્ટાફ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે અકસ્માત સર્જીને ભાગી છુટેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.