રાજ્યના સમતોલ વિકાસને પ્રાધાન્ય મળી રહે તે સાથે રાજ્યમાં વધુ ૨૧ GIDC સ્થપાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતના કહેવા મુજબ નવી GIDC ની સ્થાપનામાં જે તે જિલ્લાના એવા સ્થળ પસંદ કરવામાં આવ્યા છે, જેના કારણે રાજ્યના સમતોલ વિકાસને પ્રાધાન્ય મળી રહે તે સાથે નવા વિસ્તારોમાં GIDC શરૂ થવાના કારણે સ્થાનિક ઉદ્યોગોને નજીકમાં જ અદ્યતન સુવિધા સાથેની વસાહત મળશે તેના કારણે સ્થાનિક રોજગારીમાં પણ વધારો થશે.
મળતી માહિતી મુજબ, ઉદ્યોગ વિભાગ દ્વારા લાંબા સમયથી નવી ઔદ્યોગિક વસાહતો શરૂ કરવાની પ્રક્રિયા ચાલતી હતી તેને આખરી ઓપ આપી દેવાયો છે. નવી જંત્રીના દર લાગુ પડે તે પૂર્વે ૨૧ પૈકી જે GIDC માં જમીન સંપાદન કરવાની બાકી છે તેમાં ઝડપથી સરકારી પડતર જમીન ઉદ્યોગ વિભાગ દ્વારા ચલણ ભરીને જંત્રીના ભાવે ખરીદવામાં આવશે. તે પછી તેમાં રોડ-રસ્તા, વીજળી, ડ્રેનેજની સુવિધા અને પ્લોટિંગ સાથે માળખું તૈયાર કરીને જે તે ઉદ્યોગકારોને પ્લગ એન્ડ પ્લે તરીકે ઓફર કરાશે.
ઉદ્યોગકારોને આ પ્લોટ વિકસિત વિસ્તાર હોય તો જંત્રીના ભાવના ૫૦%, મધ્યમ વિકસિત હોય તો જંત્રીના ભાવના ૨૫% અને અલ્પવિકસિત હોય તો જંત્રીના દર પ્રમાણે જ ઓફર કરવાની પ્રક્રિયા અંગે ટૂંક સમયમાં આખરી ર્નિણય લેવાશે. ઉદ્યોગ વિભાગ દ્વારા નવી વસાહતો જાહેર કરાઇ છે તેના સર્વે નંબર પ્રમાણે સ્થળ નક્કી કરાયું છે પરંતુ તે તાલુકા અને જિલ્લામાંથી મહત્તમ કનેક્ટિવિટી ધરાવતું હોય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
ઉદ્યોગ મંત્રી રાજપૂતના કહેવા મુજબ સરકારની પ્રોત્સાહન નીતિના કારણે સ્થાનિક સ્તરે નવા ઉદ્યોગોને વિકસવાની તક મળી રહી છે. વિવિધ જિલ્લાના કેટલાક નવા તાલુકાનો પણ સમાવેશ કરાયો છે જ્યાં નવી વસાહતની સ્થાપના કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ કુલ ૨૩૯ જેટલી GIDC છે, જેમાં ૭૦ હજાર કરતા વધુ રોકાણકારો છે. લાંબા સમયથી નવી ઔદ્યોગિક વસાહતો શરૂ કરવાની માગણી પણ સ્થાનિક ઉદ્યોગકારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરાઇ રહી હતી.
રાજ્યમાં ૨૧ નવી GIDC શરૂ કરવાની કામગીરી ફાઇનલ કરી દેવાઇ છે.
જેમાં રાજકોટના વીંછિયા, બનાસકાંઠામાં અલીગઢ, યાવરપુર, દૂધવા અને લવાણા તેમજ મહેસાણામાં મલેકપુર, નાની ભલુ અને જોટાણ, પાટણમાં પૂનાસણ અને માનપુરા, ગાંધીનગરમાં કડજોદરા, અમરેલીમાં સામપાદર, જૂનાગઢમાં ગળોદર અને માળીયા હાટીના, ભરૂચમાં ભીમપુરા, ગીર સોમનાથમાં નવા બંદર, છોટાઉદેપુરમાં લઢોદ, ખેડામાં જેસપુરા-મીઠાપુરા અને મહુધા, આણંદમાં કહાનવાડી અને મહીસાગરમાં બાલાસિનોરનો સમાવેશ થાય છે.