રાજ્યમાં દવાઓના નમુનાઓનું ચકાસણી કરી ભેળસેળ કરતા તત્વો સામે કડક કાર્યવાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર એચ.જી.કોશિયા એ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ અને ખોરાક શુદ્ધ અને ગુણવત્તાયુકત મળી રહે તે માટે તંત્ર અને રાજ્ય સરકાર કટીબદ્ધ છે. જેના ભાગરૂપે ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક એલોપેથીક ઘટકની મિલાવટ કરી એક્ષ્પોર્ટ કરવાનું કૌભાંડ અને વગર પરવાને બનાવટી એલોપેથીક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડીને આશરે રૂપિયા ૩૧ લાખનો ભેળસેળ વાળો અને નકલી દવાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં દવાઓના નમુનાઓનું ચકાસણી કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર બનાવટી એલોપેથીક, આર્યુવેદિક, કોસ્મેટીક્સ અને ફુડ પ્રોડકટ બનાવટના વ્યકિત વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તેમણે ઉમેર્યું કે, ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ, ફલાઈંગ સ્કોડ તથા તેમની ટીમ અને સેન્ટ્રલ ડ્રગ લાયસન્સીંગ ઓથોરીટી, CDSCO ના ડ્રગ ઈન્સ્પેકટરોએ દરોડા પાડ્યા હતા. જેમાં M/S JOINHUB PHARMA LLP ના મુખ્ય પાર્ટનર અહેમદ અબ્બાસ બાલોસપુરા, અબ્બાસ અલી બાલોસપુરા, સંકેત શાહ તથા પેઢીમાં ખરીદી સંભાળતા વ્યક્તિ પટેલ ભાવેશભાઇ તથા નઝર મહોમ્મદ સાઉદીની સઘન પુછપરછ કરી તેઓની MONDEL HEIGHTS , AHEMDABAD ની ઓફિસ તથા તેઓના ચાંગોદર ખાતેના ગોડાઉન, બી-૧૨૭, કુંજ એસ્ટેટ, ચાંગોદર ખાતે દરોડા પાડી દવાના (૧) WHOLESHIED REFIRE CAP. અને (૨) DEMEX ના નમુના દ્વારા લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે અને રૂ.૧૧ લાખ કિંમતનો દવાનો જથ્થો કાયદેસરની કાર્યવાહી અર્થે આપી જપ્ત કરાયો છે. વધુમાં પેઢી રો મટીરીયલ, પેકીંગ મટીરીયલ ક્યાંથી ? અને કેવી રીતે લાવી છે અને આ પ્રકારે આવી કેટલી બનાવટનું ઉત્પાદન કેવી રીતે અને કોને કોને કરતાં હતા. તેની આગળની તપાસ હાથ ધરાઈ છે.
તેમણે ઉમેર્યું કે,ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ તાજેતરમાં ગાંધીનગર ખાતે વગર લાયસન્સે સ્પુરીયસ એલોપેથીક દવાનું ઉત્પાદન કરતી ડુપ્લીકેટ ફેક્ટરી મે. શ્રી હેલ્થકેર અને સુરત ખાતે કોસ્મેટીકની આડમાં એલોપેથીક દવા ઓનલાઇન એમેઝોનના માધ્યમથી બનાવટી દવા વેચાણ કરતી ફેક્ટરી પકડી પાડી તેમજ ભાવનગર ખાતે ઓનલાઇન એમેઝોનના માધ્યમથી બનાવટી કોસ્મેટીક બનાવટના કોઇપણ જાતના લાયસન્સ વગર ઉત્પાદન કરતી પેઢીઓ પર પાડેલા દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા વ્યકિતઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.