પાલનપુર સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ દાખલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કાંકરેજ તાલુકાના થરાના યુવકને અજાણ્યા શખ્સોએ દિલ્હી ક્રાઇમ બ્રાંચના ઓફિસરની ઓળખ આપી યુવકના નામના પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી રૂ. ૨૮.૧૯ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી દીધા હતા. આ અંગે યુવકે પાલનપુર સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
કાંકરેજ તાલુકાના થરાના ભક્તિનગરના ધમેન્દ્રકુમાર પ્રવિણચંદ્ર જોષી (હાલ રહે. અમદાવાદ) વિદેશની એક કંપનીમાં ફરજ બજાવે છે. તેઓ ૧૩ ઓક્ટોબર ૨૦૨૪ના દિવસે થરા તેમના ઘરે હતા ત્યારે અજાણ્યા શખ્સે દિલ્હીના કુરિયરમાંથી બોલું છું તેમ કહી તમારૂ પાર્સલ થાઇલેન્ડથી પરત આવ્યું છે. જેમાં ડ્રગ્સ, ક્રેડિટ કાર્ટ અને મની લોડન્ડરિંગ લગતની મેટર છે.
પાર્સલમાં તમારુ આધારકાર્ડ અને મોબાઇલ નંબર આપેલો છે. જો તમારૂ પાર્સલ ન હોય તો કોલ દિલ્હી ક્રાઇમ બ્રાંચ પોલીસને ટ્રાન્સફર કરીએ છીએ જ્યાં આધારકાર્ડનો દૂરપયોગ થયો હોવાની કમ્પલેઇન લખાવી દેજો તેમ કહી ફોન કટ કરી દીધો હતો. તે પછી બપોરના સુમારે બીજા મોબાઇલ નંબરથી ફોન આવ્યો હતો. જેમાં અજાણ્યા શખ્સે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી પાર્સલ, આધારકાર્ડ, મોબાઇલ નંબરનું વેરીફિકેશન કરવાનું કહ્યુ હતુ. જે બાદ IPS નો ડ્રેસ પહેરેલા શખ્સે વીડિયોકોલ કરી તમામ માહિતી મેળવી લીધી હતી. તે પછી તા. ૧૩થી ૧૮ ઓક્ટોબર દરમિયાન વોટ્સએપ, વીડિયોકોલ કરી મની લોન્ડરિંગનો કેસ થયેલો હોઇ ભારે કલમો લાગૂ પડવાની છે.
તમારા બેન્ક એકાઉન્ટમાં જેટલી રકમ છે. તેના ઉપર આર. બી.આઇની વોચ છે. સલામતી ઇચ્છતા હોય તો અમે કહીએ તેમ કરવું પડશે. આ વાતથી ધમેન્દ્ર જોષી ગભરાઇ ગયા હતા. અને કેસમાંથી બચવા માટે જુદાજુદા ૬ બેન્ક એકાઉન્ટમાં ટુકડે ટુકડે કુલ રૂ. ૨૮,૧૯,૦૩૮ ટ્રાન્સફર કરી દીધા હતા. જે પછી વધુ નાણાંની માગણી કરતાં ધમેન્દ્રએ ન હોવાનું કહેતા આ શખ્સોએ છેતરપિંડી કરાઈ હોવાનું કહી મજાક પણ ઉડાવી હતી. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.