વિશ્વના ૩૦ દેશોમાં સેવારત BAPS કાર્યકરો ભાગ લેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
આગામી ૭ ડિસેમ્બરના રોજ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવશે. જેને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એમાં વિશ્વના ૩૦ દેશોમાં સેવારત BAPS કાર્યકરો ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં ભાગ લેશે, અત્યાર સુધી ૧ લાખથી વધુ કાર્યકરોનું રજિસ્ટ્રેશન થઇ ગયું છે. BAPS ના વડા મહંત સ્વામી મહારાજ અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવનાર કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન, કાર્યકરોને પાર્કિંગ સ્થળ અને સ્ટેડિયમ સુધી પહોંચવા, ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે. BAPS ના સારંગપુર (બોટાદ), રાયસણ અને શાહીબાગ ખાતે છેલ્લાં બે મહિનાઓથી તૈયારી ચાલી રહી છે.
આ કાર્યક્રમ માટે પુરુષો અને મહિલા કાર્યકરો માટે ખાસ ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે. ૩ ડિસેમ્બરે સાંજ ૫:૦૦ વાગ્યાથી ૮: ૩૦ વાગ્યા સુધી ચાલનાર આ કાર્યક્રમમાં ૨૦૦૦થી વધુ પર્ફોર્મર્સ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ૧૫૦૦થી વધુ બાળકો ખાસ પ્રસ્તુતિ કરશે.
૭ ડિસેમ્બરે સાંજે ૫:૦૦ થી ૮:૩૦ સુધી ચાલનાર આ રંગારંગ કાર્યક્રમની મુખ્ય થીમ ત્રણ વિભાગમાં અદભૂત પ્રસ્તુતિ દ્વારા વ્યક્ત થશેઃ (૧) બીજઃ છેલ્લાં ૧૦૦ કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની રજૂઆત આ વિભાગમાં થશે. (૨) વટવૃક્ષઃ એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક-સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્તુત થશે. (૩) ફળઃ આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓનાં મીઠાં ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે, તેની દિલધડક પ્રસ્તુતિ આ વિભાગમાં માણવા મળશે.