GUVNL ની ૪૨ જેટલી ટીમોએ પોલીસ અને SRP ને સાથે રાખી કરી કાર્યવાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ લાઈનો પર આંકડી મારી વીજચોરીની પ્રવૃત્તિ ઝડપી લેવા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ વડોદરા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં GUVNL ની ૪૨ જેટલી ટીમો પોલીસ અને SRP ને સાથે રાખી કાર્યવાહી કરતાં ૧૦૫ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી રૂ. ૩૦.૭૧ લાખનો દંડ ફટકાર્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વીજચોરી થતી હોવાનું ધ્યાને આવતાં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ વડોદરા દ્વારા નક્કર કાર્યવાહી કરવા એક્શન પ્લાન બનાવાયો હતો. જે અંતર્ગત ડીસા, કાંકરેજ અને વાવ તાલુકામાં એક સાથે કાર્યવાહી કરવા GUVNL દ્વારા અલગ અલગ વીજ ડિવિઝનોની પાંચ પેટા કચેરીની ૪૨ જેટલી ટીમો બનાવવામાં આવી હતી.
જેમાં વહેલી સવારથી ડીસા, કાંકરેજ અને વાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કંપનીની પાંચ પેટા વિભાગીય કચેરી જેમાં ડીસા ગ્રામ્ય ૧, ડીસા ગ્રામ્ય ૨, ભીલડી, શિહોરી અને વાવની પેટા કચેરીની કુલ ૪૨ જેટલી ટીમો દ્વારા GUVNL પોલીસ અને SRP ફોર્સને સાથે રાખી એક સાથે કાર્યવાહી કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક તેમજ ખેતર વિસ્તારોમાં રહેણાંક અને વાણિજ્ય વીજ જોડાણોનું ચેકિંગ કરતાં ત્રણેય તાલુકામાં થઈ કુલ ૧૦૫ ગ્રાહકો વીજ ચોરી કરતા ઝડપાયા હતા. વીજ ચોરી કરતા ઝડપાયેલા ગ્રાહકોને કુલ રૂપિયા ૩૦.૭૧ લાખનો દંડ ફટકારી આગળની કાર્યવાહી કરવામાં આવી હોવાનું વીજ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.