નોનવેજ વેસ્ટમાંથી ડોગ ફૂડ બનાવવા માટે પીરાણામાં ખાનગી એજન્સીને જગ્યા અપાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરનાં લઘુમતી સમાજનાં વિસ્તારો તેમજ મટન અને ફીશ માર્કેટમાંથી નીકળતાં નોનવેજ વેસ્ટનો કચરામાં નિકાલ કરવાને બદલે તેમાંથી ડોગ ફૂડ બનાવવા કોઇ ખાનગી એજન્સી તૈયાર થશે તો તેને પીરાણા ખાતે જગ્યા ફાળવવામાં આવશે તેમ સ્ટે.કમિટી ચેરમેને જણાવ્યું હતું.
સ્ટે.કમિટીની બેઠક બાદ ચેરમેન દેવાંગભાઇ દાણીએ જણાવ્યું હતું કે, APMC , ગાર્ડન અને કિચનવેસ્ટ વગેરેનાં ૧૦૦૦ મે.ટન ગ્રીન વેસ્ટનો પીરાણા ખાતે નિકાલ કરવામાં આવે છે, પરંતુ તેમાંથી ગ્રીન ગેસનું ઉત્પાદન થઇ શકે તેમ હોવાથી પીરાણા ખાતે ૭૦-૮૦ મેટ્રિક ટનનો પ્લાન્ટ નાખવા માટે પણ ખાનગી એજન્સીને કામગીરી સોંપવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે, શહેરમાં પર્યાવરણ જાળવણી માટે ૩૦ લાખ વૃક્ષ રોપવામાં આવ્યાં છે, તેની સાથે સાથે શહેરી માર્ગોની સુંદરતા વધારવા માટે તમામ ફ્લાયઓવર અને મેટ્રો રેલવે બ્રિજ વગેરેનાં પિલ્લર ઉપર વર્ટિકલ ગાર્ડન બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જેમાં પ્રાયોગિક ધોરણે હેલ્મેટ જંક્શન ફ્લાયઓવર, પકવાન જંક્શન ફ્લાયઓવર તથા મોટેરા સ્ટેડિયમ પાસેનાં મેટ્રો રેલ બ્રિજનાં પિલ્લર ઉપર વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવી રહ્યાં છે.
સ્ટે.કમિટી ચેરમેને કહ્યું કે, પલ્લવ ચાર રસ્તા ખાતેનાં બ્રિજનુ નિર્માણ કાર્ય માર્ચ મહિનામાં પૂરી થઇ જશે અને અમદાવાદ બોટાદ રેલવે લાઇન પર ટોરેન્ટ પાવર મકરબાથી કોર્પોરેટ રોડને જોડતાં ફોર લેન બ્રિજનું કામ પણ ૮૫ ટકા પૂરૂ થવા આવ્યું છે, તે જોતાં તેને પણ મે મહિનામાં લોકાર્પણ કરવાની તૈયારી છે. મકરબાવાળો બ્રિજ તૈયાર થઇ જતાં દોઢ લાખ લોકોને ફાયદો થશે. દેવાંગભાઇ દાણીએ વધુમાં જણાવ્યું કે, શહેરનાં નારણપુરા વિસ્તારમાં આવેલાં નવદીપ હોલ તથા દીનદયાલ પંડિત હોલના રિનોવેશન અને રિપેરીંગ માટેના ટેન્ડર બહાર પાડી દેવાયાં છે. જ્યારે બહેરામપુરામાં લીલાધર હોલ નવેસરથી બનાવાયો છે, તેનું ટૂંકમાં લોકાર્પણ કરી તેનાં ભાડાનાં દર જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સાત ઝોનમાં વધુ ૧૦ કોમ્યુનિટી હોલ અને નવા આઠ ઓપન પાર્ટી પ્લોટ બનાવવામાં આવી રહ્યાં છે.