અમદાવાદ અને રાજકોટમાં દુષ્કર્મની ઘટના સામે આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં દીકરી કે મહિલા સાથે દુષ્કર્મની ઘટનાઓથી લોકોમાં તંત્ર વિરૂદ્ધ રોષ જોવા મળ્યો છે. સુરક્ષિત ગુજરાતમાં દીકરીઓ ક્યાંય સુરક્ષિત રહી નથી. અમદાવાદ અને રાજકોટમાં ફરીથી બળાત્કારની ઘટનાઓ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટના ધોરાજીમાં સગીરા સાથે સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધવામાં આવી છે. સગીરાના સાવકા પિતા પણ દીકરી સાથે શારીરિક અડપલાં કરતો હતો. આખરે હેરાનગતિ થતાં સાવકા પિતા અને મિત્ર વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
તો બીજી બાજુ અમદાવાદના નારોલમાં સગા સસરાએ ઘરની લક્ષ્મી ગણાતી પુત્રવધૂ પર દુષ્કર્મ આચર્યું હોવાનો સમગ્ર મામલો પરિવાર સામે આવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ૩ મહિના સુધી અલગ-અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું, જેથી ડર અને પીડામાં જીવતી પરણિતાએ પરિવારને જાણ કરતા મામલો સામે આવ્યો છે. પરિવારે નારોલ પોલીસમાં દુષ્કર્મી આધેડ સસરા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા નારોલ પોલીસે સસરાની ધરપકડ કરી છે.