પત્ની ઓક્ટોબર મહિનામાં અચાનક ઘર છોડી ગયા બાદ પરત આવી નહિ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પતિએ પત્નીના ગુમ થવાને લઈને ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. પતિએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી છે. તેણે કહ્યું કે તેની પત્ની સાત મહિનાની ગર્ભવતી છે અને તે ગુમ છે. પોલીસ પણ તેને શોધી શકતી નથી તેથી કોર્ટે મદદ કરવી જોઈએ.
હાઈકોર્ટે પોલીસ અને રાજ્ય સરકારને નોટિસ જારી કરીને અરજદારની પત્નીને ૨૩ ડિસેમ્બર સુધીમાં કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું છે. પતિએ કોર્ટમાં જણાવ્યું કે તેની પત્ની ઓક્ટોબર મહિનામાં ઘર છોડીને ગઈ હતી અને ત્યાર બાદ પરત આવી નથી. આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પરંતુ પોલીસ તેને શોધી શકી ન હતી.
પતિએ પોતાની અરજીમાં કહ્યું છે કે તેની પત્ની તેના લેસ્બિયન પાર્ટનર સાથે ચાલી ગઈ હતી અને તે પાછી ફરી નથી તેમના લગ્ન વર્ષ ૨૦૨૨માં થયા હતા અને ત્યાર બાદ તેમનું લગ્ન જીવન સામાન્ય હતું. ત્યાં કોઈ ફરિયાદ અથવા સમસ્યાઓ ન હતી. તેની પત્ની ગર્ભવતી હોવા છતાં ઘરે જ હતી, પરંતુ ઓકટોબર મહિનામાં અચાનક તે કોઈને કંઈપણ કહ્યા વગર જતી રહી હતી. તે ફેબ્રુઆરી મહિનામાં એક બાળકને જન્મ આપવા જઈ રહી છે અને તે પહેલા તે ગુમ થઈ ગઈ હતી.
ચાંદખેડા પોલીસનું કહેવું છે કે ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે ઝીણવટભરી તપાસ કરી અને પત્નીના પરિવારનો સંપર્ક કર્યો. પતિનું કહેવું સાચું છે કે તેની પત્નીને તેની સ્ત્રી મિત્ર સાથે સમલૈંગિક સંબંધો હતા અને આ વાત બંને મિત્રોના પરિવારજનોને પહેલેથી જ ખબર હતી.