Last Updated on by Sampurna Samachar
સોમનાથથી નેપાળના પશુપતિનાથ સુધીની સફર દોડીને પૂર્ણ કરી
હાલમાં જ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં દાવેદારી નોંધાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
‘સુપર ૩૦’ ફિલ્મની પટકથા કરતાં ચઢીયાતી વાર્તાનું સર્જન ગુજરાતના યુવાન દોડવીર રૂપેશ મકવાણાએ કરી છે. જેના નામે વિશ્વ વિક્રમ સ્થાપિત થયો છે. ગુજરાતની ધરતીના સપૂત અને અલ્ટ્રા-રનર રૂપેશ મકવાણાએ ફરી એકવાર ભારતનું નામ રોશન કર્યું છે. તેમણે એક અસાધારણ અને પડકારજનક દોડ પૂરી કરીને નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

રૂપેશ મકવાણાએ ભગવાન શિવના બે પવિત્ર ધામો-ગુજરાતના સોમનાથ મંદિરથી લઈને નેપાળના પશુપતિનાથ મંદિર સુધીની સફર સતત દોડીને પૂરી કરી છે. આ દોડનું કુલ અંતર ૨૨૦૦ કિલોમીટર હતું. તેમણે આ વિશાળ અંતર માત્ર ૩૩ દિવસ, ૨ કલાક અને ૨૯ મિનિટમાં કાપીને એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. આનો અર્થ એ થયો કે રૂપેશ મકવાણાએ દરરોજ સરેરાશ લગભગ ૬૬ કિલોમીટરનું અંતર દોડ્યું, જે કોઈ સામાન્ય માણસ માટે વિચારવું પણ અશક્ય છે.
અમદાવાદ અને સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું
રૂપેશના નામે વર્લ્ડ વાઈટ બૂક ઓફ રેકોર્ડ પણ નોંધાવ્યો છે. જેને આરામ કર્યા વિના સતત ૭૫ કલાક દોડીને ૩૭૫ કિલોમીટર પૂર્ણ કર્યું હતું. આ ઉપરાંત હાલમાં જ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં તેને દાવેદારી નોંધાવી છે. જેમાં ભારતનું સુવર્ણ ચતુર્ભુજ માર્ગ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કલકત્તાનું ૬,૦૦૦ કિલોમીટર અંતર ૮૮ દિવસમાં કાપીને આ એક રેકોર્ડ માટે દાવેદારી નોંધાવી છે. જેમાં ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૩ થી દિલ્હીના ઇન્ડિયા ગેટથી શરૂઆત કરી હતી અને ૨૦ મેં ૨૦૨૩ સુધીમાં તેણે ૬૦૦૦ કિલોમીટર અંતર કાપીને દિલ્હીના ઇન્ડિયા ગેટ પરત ફર્યો હતો.
આ રૂપેશ મકવાણાનો પ્રથમ વર્લ્ડ રેકોર્ડ નથી. તેમની અદમ્ય ઇચ્છાશક્તિ અને સહનશક્તિનો આ જીવંત પુરાવો છે. મુશ્કેલ રસ્તાઓ મને સંતોષ આપે છે,” તેમનું જીવન સૂત્ર હોય તેમ લાગે છે. આ પહેલા પણ રૂપેશ મકવાણાએ બે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરીને અમદાવાદ અને સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. તેમની આ સિદ્ધિ લાખો યુવાનોને પોતાના સપના પૂરા કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે.
 
				 
								