હવામાન વિભાગે રાજ્યના વાતાવરણ અંગે જુઓ શુ કરી આગાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં થોડા દિવસથી તાપમાનમાં વધારો થતા ઠંડકમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે ફરીથી તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડીમાં વધારો થયો છે. જોકે, હજી વહેલી સવારે અને રાતે ઠંડક તો બપોરે તો થોડી ગરમી લાગી રહી છે. ત્યારે અમદાવાદના હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે.
અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે ગુજરાતમાં ઠંડી અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. લઘુત્તમ તાપમાનમાં ડાઉન ટેન્ડેન્સી રહેશે પરંતુ કોઈ મોટો ફેરફાર નહીં થાય.
હાલ ગુજરાતમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની છે. આ સાથે તેમણે ઠંડીના આંકડા આપતા જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં રેકોર્ડ થયું છે. જે ૯.૮ ડિગ્રી નોંધાયું છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન ૧૪.૨ ડિગ્રી સેલ્શિયસ નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં ૧૧.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, નલિયામાં ૯.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ સાથે અમદાવાદમાં ૧૪.૨ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૧.૮, રાજકોટમાં ૧૨.૧, પોરબંદરમાં ૧૪.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે વડોદરામાં ૧૫.૪ અને સુરતમાં ૧૭.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. એ. કે. દાસે વધુમાં જણાવ્યું છે કે, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન ૧૫ ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે.
વાતાવરણમાં સવારે અને બપોરે વટઘટ થવાના જવાબમાં તેમણે કહ્યું કે, ઉત્તરથી ઉત્તર પૂર્વની હવા આવે છે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. તો દક્ષિણમાં એન્ટિ સાયક્લોન બનેલું છે તો ત્યાંથી પણ પવન આવે છે. જેના કારણે રાત્રે અને વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી લાગી રહી છે.