Last Updated on by Sampurna Samachar
સમાજને એકતૃત કરવાનો અને ભવાની ધામનું નિર્માણ કરવાનો હેતુ
બારડે મોટું શક્તિ પ્રદર્શન યોજીને પોતાની તાકાત બતાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. ભાજપના ધારાસભ્ય અને ઠાકોર સમાજના અગ્રણી અલ્પેશ ઠાકોરના સંમેલન પહેલા જ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અભિજિતસિંહ બારડે મોટું શક્તિ પ્રદર્શન યોજીને પોતાની તાકાત બતાવી છે. મહેસાણાના મલેકપુરથી અંબાજી સુધી એક ભવ્ય શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા.

આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજને એકતૃત કરવાનો અને ભવાની ધામનું નિર્માણ કરવાનો છે. ખેરાલુના મલેકપુરથી શરૂ થયેલી આ યાત્રા શક્તિપીઠ અંબાજી પહોંચશે, જ્યાં માં અંબાને ધજા ચડાવીને ભવાની ધામ નિર્માણ માટેનો દ્રઢ સંકલ્પ લેવામાં આવશે. ત્યારબાદ એક મહાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
અલ્પેશ ઠાકોરની ગેરહાજરી ચર્ચાનો વિષય
આ પ્રસંગે અભિજિતસિંહ બારડે જણાવ્યું હતું કે, “ભવિષ્યમાં ભવાની ધામ આપણા સમાજ માટે એક પાવર હાઉસ બનીને ઉભરી આવશે, જ્યાંથી સમાજના ઉત્થાન માટેની ઉર્જા મળશે.” આ શક્તિ પ્રદર્શનમાં રાજકીય દ્રષ્ટિએ સૌથી વધુ ચર્ચાનો વિષય અલ્પેશ ઠાકોરની ગેરહાજરી રહ્યો હતો.
યાત્રામાં ઠાકોર સમાજના અન્ય ધારાસભ્યો, સાંસદો અને વિવિધ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ અલ્પેશ ઠાકોર જોવા મળ્યા ન હતા. આ ઘટનાક્રમ આગામી સમયના સામાજિક સમીકરણો તરફ ઈશારો કરે છે.
તાજેતરમાં પંચાલ સમાજ અને હાર્દિક પટેલ દ્વારા વસ્તી વધારા અંગે કરવામાં આવેલા નિવેદનો પર પણ અભિજિતસિંહ બારડે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, “ક્ષત્રિય સમાજ હંમેશા સનાતન ધર્મને જીવંત રાખવા અને બલિદાન આપવા માટે કટિબદ્ધ રહ્યો છે.” વધુમાં તેમણે ટેકનોલોજીના યુગમાં વસ્તી અંગે માર્મિક ટિપ્પણી કરતા કહ્યું કે, “સમાજે એ રીતે વર્તવું જોઈએ કે જેથી આવનારી પેઢીનું યોગ્ય પોષણ અને ઉછેર આજના આધુનિક યુગમાં સારી રીતે થઈ શકે.”