જજની ખાલી જગ્યાઓના કારણે કેસોની સુનાવણીમાં પણ થાય છે વિલંબ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત અને ભારતની અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જે એક ગંભીર ચિંતાનો વિષય છે. આ સમસ્યાના મૂળમાં જજની ખાલી જગ્યાઓ, કેસોની જટિલતા અને ન્યાયિક પ્રક્રિયાઓમાં વિલંબ જેવા અનેક પરિબળો છે. ગુજરાત હાઈકોર્ટમાં ૧,૭૦,૯૬૩ જેટલા કેસ પેન્ડિંગ છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં ૧૬,૯૦,૬૪૩ કેસ પેન્ડિંગ છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય તેમજ સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ૧૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રાજ્યસભાને આ માહિતી પૂરી પાડી હતી.
ભારતની સુપ્રીમ કોર્ટમાં કુલ ૮૨,૬૪૦ કેસ પેન્ડિંગ છે, જ્યારે દેશની વિવિધ હાઇકોટમાં કુલ ૬૧,૮૦,૮૭૮ કેસ પેન્ડિંગ છે અને દેશની જુદી-જુદી જિલ્લા તથા નીચલી અદાલતોમાં કુલ મળીને ૪,૬૨,૩૪,૬૪૬ કેસ હાલની તારીખે પેન્ડિંગ છે.
ગુજરાત હાઈકોર્ટમાં જજની કુલ મંજૂર કરાયેલી ૫૨માંથી ૨૦ જગ્યા ખાલી પડી છે. જ્યારે ગુજરાતની જિલ્લા તથા નીચલી અદાલતોમાં જજની કુલ મંજૂર કરાયેલી ૧૭૨૦ માંથી ૫૩૫ જગ્યા ખાલી પડી છે. દેશની વિવિધ હાઈકોર્ટમાં જજની કુલ ૧૧૨૨ જગ્યા મંજૂર કરાયેલી છે, જેમાંથી ૩૬૮ જગ્યા આજે પણ ખાલી છે.જ્યારે આજની પરિસ્થિતિમાં દેશની વિવિધ જિલ્લા અને નીચલી અદાલતોમાં કુલ ૨૫૭૪૧ જજની સંખ્યા મંજૂર કરાયેલી છે જેની સામે ૫૨૬૨ જગ્યા હજી ખાલી છે, તેવો અર્જુન રામ મેઘવાલ મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. તેમના નિવેદન મુજબ ભારતની સુપ્રીમ કોર્ટમાં જજની મંજૂર કરાયેલી કુલ ૩૪ માંથી ફક્ત ૧ જજની જગ્યા ખાલી છે.
જજની ખાલી જગ્યાઓના કારણે કેસોની સુનાવણીમાં વિલંબ થાય છે, જેનાથી ન્યાય મળવામાં વિલંબ થાય છે. નવા જજની નિમણૂકની પ્રક્રિયા લાંબી અને જટિલ હોવાના કારણે જગ્યાઓ ખાલી રહે છે. અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યામાં વધારો એ એક જટિલ સમસ્યા છે જેના ઉકેલ માટે સરકાર, ન્યાયતંત્ર અને સમાજના તમામ વર્ગોએ સંયુક્ત પ્રયાસ કરવા જરૂરી છે.