Last Updated on by Sampurna Samachar
આસારામના જામીન તબિયત સારી ન હોવાના આધારે આપ્યા
જોધપુર કોર્ટના ર્નિણયને આધાર બનાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુષ્કર્મ કેસમાં જેલમાં બંધ આસારામને રાહત મળી છે. ગુજરાત હાઇકોર્ટે છ મહિના માટે જામીન મંજૂર કર્યા છે. આસારામ તરફથી જોધપુર કોર્ટના ર્નિણયને આધાર બનાવીને ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. તેના પર સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટે આસારામના જામીન મંજૂર કર્યા.

ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન મળ્યા બાદ આસારામ ફરી એકવાર જેલની બહાર આવી શકશે. કોર્ટે આસારામના જામીન તબિયત સારી ન હોવાના આધારે આપ્યા છે. કોર્ટે આસારામના જામીન છ મહિના માટે મંજૂર કર્યા છે.
૮૬ વર્ષીય આસારામ હૃદય સંબંધિત બીમારીથી પીડિત
ગુજરાત હાઇકોર્ટમાં આસારામ તરફથી કહેવામાં આવ્યું કે જોધપુર કોર્ટે આસારામને ૬ મહિના માટે જામીન આપ્યા છે. તેઓ હૃદય સંબંધિત બીમારીથી પીડિત છે. આસારામની ઉંમર ૮૬ વર્ષ છે, અને તેમને સારવારનો અધિકાર છે. જો ૬ મહિનામાં અપીલની સુનાવણી આગળ ન વધે, તો તેઓ ફરીથી જામીન માટે અરજી કરી શકશે.
ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે આસારામની તબીબી સ્થિતિને જોતા જોધપુર હાઇકોર્ટે તેમને જામીન આપ્યા હતા, તેથી ગુજરાત હાઇકોર્ટ અલગ વલણ અપનાવી શકે નહીં. જો રાજસ્થાન સરકાર આ જામીનને પડકારે, તો ગુજરાત સરકાર પણ તેમ કરી શકશે.
રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો જોધપુર જેલમાં પૂરતી તબીબી સુવિધાઓ ન હોય, તો તેમને સાબરમતી જેલમાં સ્થાનાંતરિત કરી શકાય છે. પીડિતાના વકીલે કહ્યું કે આવી પરિસ્થિતિઓમાં પણ આસારામ અમદાવાદ, જોધપુર, ઇન્દોર વગેરે સ્થળોએ ફરતા રહ્યા છે. તેમણે ક્યારેય કોઈ હોસ્પિટલમાં લાંબા ગાળાની સારવાર લીધી નથી. તેઓ ઋષિકેશથી મહારાષ્ટ્ર સુધી ફર્યા છે. જોધપુરમાં આયુર્વેદિક સારવાર ચાલુ છે, અને તેમને કોઈ ફરિયાદ નથી.