Last Updated on by Sampurna Samachar
ધરમપુર ખાતે કાર્યરત થશે સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
વર્ષ ૨૦૩૦ સુધીમાં સર્પદંશથી થતા મૃત્યુ અને અપંગતામાં ૫૦% ઘટાડો કરવાનું લક્ષ્ય
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત સરકારે રાજ્યમાં સર્પદંશથી થતા મોત અટકાવવા માટે હવે બહારના રાજ્યોની નહીં, પણ ગુજરાતના જ ઝેરી સાપોમાંથી તૈયાર થયેલી રસી દર્દીઓને નવજીવન અપાશે તેવો નિર્ણય લેવાયો છે. ત્યારે ગુજરાતમાં સર્પદંશની સારવાર ક્ષેત્રે એક ક્રાંતિકારી પરિવર્તન આવવા જઈ રહ્યું છે.

રાજ્ય સરકાર હવે ગુજરાતના જ ઝેરી સાપોના ઝેરમાંથી ‘એન્ટિ વેનમ‘ તૈયાર કરશે. વલસાડના ધરમપુર ખાતે કાર્યરત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ દિશામાં સીમાચિહ્નરૂપ કામગીરી કરી રહી છે, જેનાથી આગામી સમયમાં સર્પદંશથી થતા મૃત્યુના દરમાં નોંધપાત્ર ઘટાડો થશે.
આ એન્ટિવેનમ હજારો માનવ જીંદગીઓ બચાવશે
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સાપનું ઝેર પ્રદેશ પ્રમાણે બદલાતું હોય છે. અત્યાર સુધી અન્ય રાજ્યોના ઝેરમાંથી બનેલી રસી ગુજરાતમાં ઓછી અસરકારક સાબિત થતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે ધરમપુર ખાતે સંસ્થા સ્થાપવામાં આવી છે. અહીં ઈન્ડિયન કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ વાયપર અને સૉ-સ્કેલ્ડ વાયપર જેવી ૪ મુખ્ય ઝેરી પ્રજાતિઓ પર સંશોધન થાય છે. ગુજરાતના સાપોના ઝેરમાંથી બનેલી રસી સ્થાનિક દર્દીઓ પર ઝડપી અને સચોટ અસર કરશે.
ગુજરાત સરકાર આ સંસ્થાને વિશ્વ કક્ષાની બનાવવા માટે ૧૧.૬૮ કરોડનો ખર્ચ કરશે. વલસાડ કલેક્ટર દ્વારા આ માટે ૨.૨૫ હેક્ટર જમીન પણ ફાળવી દેવામાં આવી છે. તમિલનાડુ બાદ આ પ્રકારની કામગીરી કરતી આ દેશની બીજી મોટી સંસ્થા બની છે.
સંસ્થાના ઉપાધ્યક્ષ અને જાણીતા સર્જન ડૉ. ડી.સી. પટેલ જેમનો સર્પદંશ સારવારમાં ૯૮% સક્સેસ રેશિયો છે તેમણે જણાવ્યું હતું કે, ‘‘અહીં WHO ની માર્ગદર્શિકા મુજબ અત્યંત સુરક્ષિત રીતે ઝેર કાઢવામાં આવે છે. હાલમાં અહીં ૪૬૦ જેટલા ઝેરી સાપોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે.‘‘
કેન્દ્ર સરકારના ‘નેશનલ એક્શન પ્લાન’ હેઠળ વર્ષ ૨૦૩૦ સુધીમાં સર્પદંશથી થતા મૃત્યુ અને અપંગતામાં ૫૦% ઘટાડો કરવાનું લક્ષ્ય છે. આ દિશામાં ગુજરાત સરકારે અત્યાર સુધીમાં ૧,૪૯૫ થી વધુ ડૉક્ટરોને ખાસ તાલીમ આપી છે. ૩૦૦ થી વધુ સ્નેક રેસ્ક્યુઅર્સને સજ્જ કર્યા છે. આ સાથે અંધશ્રદ્ધા દૂર કરવા પંચાયત સ્તરે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. ગુજરાતમાં જ તૈયાર થનારું આ એન્ટિવેનમ માત્ર આરોગ્ય ક્ષેત્રે ર્સ્વનિભરતા જ નહીં, પરંતુ હજારો માનવ જિંદગીઓ બચાવવાનું માધ્યમ બનશે.