અધિક ગૃહ સચિવે પત્ર લખી તમામ SP અને પોલીસ કમિશ્નરને સુચના આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી લોકો પોલીસના મનસ્વીપણાની ફરિયાદ કરી રહ્યાં છે. સામાન્ય નાગરિકો એકબાજુ ન્યાય મેળવવા ધક્કા ખાઈ રહ્યા છે, ત્યાં બીજી બાજું અસામાજિક તત્વો મનફાવે તેમ જાહેરમાં ગુનાખોરીને અંજામ આપી રહ્યા હોય તેવા કિસ્સા સામે આવે છે. વર્ષોથી નાગરિકો પોલીસ ફરિયાદ નથી નોંધતી તેવા તંત્ર પર આરોપ લગાવે છે, પરંતુ હવે આ જનતાના આ આરોપ સાચા પડ્યાં છે.
જેનો ખુલાસો ખુદ સરકારે જ કર્યો છે. તાજેતરમાં SWAGAT (સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રિવ્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી કાર્યક્રમમાં લોકોએ પોલીસ દ્વારા ફરિયાદ ન લેવામાં આવતી હોવાની મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ સરકારે લેખિતમાં સ્વીકાર્યું કે પોલીસ સામાન્ય નાગરિકની ફરિયાદ નથી લેતી.
આ વિશે અધિક ગૃહ સચિવ એમ. કે. દાસે તમામ SP અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું કેસ, ફરિયાદ નોંધો, તપાસ કરો અને ફરિયાદનો નિકાલ લાવો. જો ફરિયાદ નહીં નોંધવામાં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. પત્રની વિગત સામે આવ્યા બાદ પ્રશ્ન થઈ રહ્યો છે કે, શું ગુજરાત પોલીસ રાજ્યમાં ચોપડે ક્રાઇમ રેટ ઓછો નોંધાય તે માટે આવું કરી રહી છે? આ સિવાય ગુજરાત પોલીસના આ વર્તનથી સામાન્ય માણસોને ન્યાય ન મળવા અથવા ન્યાય મળવામાં મોડું થતાં તેમના બંધારણીય હકોના ઉલ્લંઘન બદલ કોણ જવાબદાર ? હવે જોવાનું રહ્યું કે, અધિક ગૃહ સચિવના પત્ર બાદ પોલીસ તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોની ફરિયાદો પર કેટલું ધ્યાન આપવામાં આવે છે.