Last Updated on by Sampurna Samachar
જિલ્લા વહિવટી તંત્ર એકશન મોડમાં જોવા મળ્યુ
શિક્ષણમંત્રીએ વિદ્યાથીઓને પાઠવી શુભેચ્છા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ધો.૧૦ અને ધો.૧૨ના બંને પ્રવાહોની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૧૧ દિવસ વહેલી બોર્ડ પરીક્ષા શરૂ થવા જઇ રહી છે. જેને લઈ જિલ્લા વહિવટી તંત્ર એકશન મોડમાં જોવા મળ્યુ હતુ.
રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે શિક્ષણમંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે ‘આ પરીક્ષામાં ગુજરાતના અંદાજે ૧૪ લાખ જેટલા વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ બેસવા જઈ રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને સફળતાની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.’ત્યારે સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતા અમદાવાદ જિલ્લામાં આ વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ના ૧૩ હજારથી વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા છે. બોર્ડ પરીક્ષાને લઈને કલેકટર દ્વારા શહેર અને ગ્રામ્યમાં વર્ગ ૧-૨ના ૫૫ અધિકારીઓ ફાળવાશે, જેઓ નક્કી કરાયેલી બિલ્ડીંગોમાં સ્થાયી સ્ક્વોડ તરીકે રહેશે.
રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં અમદાવાદ શહેરમાં આ વર્ષે ધો. ૧૦માં ૫૪૬૧૬ વિદ્યાર્થીઓ છે અને ૭ ઝોનમાં ૩૩ કેન્દ્રોમાં ૧૮૫ બિલ્ડીંગોના ૧૮૪૨ બ્લોકમાં પરીક્ષા લેવાશે. ધો.૧૨ સા.પ્ર.માં ૨૯૭૨૬ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને પાંચ ઝોનમાં ૨૬ કેન્દ્રોમાં ૧૦૦ બિલ્ડીંગોમાં ૯૩૭ બ્લોકમાં પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ ૧૨ સાયન્સમાં ૭૮૫૩ વિદ્યાર્થી નોંધાયા છે અને પાંચ ઝોનમાં ૧૦ કેન્દ્રોમાં ૩૭ બિલ્ડીંગોના ૪૦૩ બ્લોકમાં પરીક્ષા લેવાશે.
અમદાવાદ શહેરમાં આ વર્ષે કુલ ૬૯ કેન્દ્રોમાં ૯૨૭૨૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ગત વર્ષે ૭૦ કેન્દ્રોમાં ૧૦૧૩૫૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.આમ શહેરમાં ૮૬૨૬ વિદ્યાર્થીઓ ઘટ્યા છે. અમદાવાદ ગ્રામ્યમાં ધો ૧૦માં ૪૬૦૨૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને ચાર ઝોનમાં ૩૬ કેન્દ્રોમાં ૧૪૬ બિલ્ડીંગોમાં ૧૫૩૪ બ્લોકમાં પરીક્ષા લેવાશે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૧૮૪૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને ચાર ઝનોમાં ૩૧ કેન્દ્રોમાં ૭૧ બિલ્ડીંગોમાં ૭૨૮ બ્લોકમાં પરીક્ષા લેવાશે. જ્યારે ધો.૧૨ સાયન્સમાં ૫૪૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને ચાર ઝોનમાં ૨૮ બિલ્ડીંગોમાં ૨૭૦ બ્લોકમાં પરીક્ષા લેવાશે. ગ્રામ્યમાં આ વર્ષે કુલ ૬૭ કેન્દ્રોમાં ૨૪૫ બિલ્ડીંગોમાં ૭૩૨૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગત વર્ષે ૬૭ કેન્દ્રોમાં ૨૬૧ બિલ્ડીંગોમાં ૭૭૮૩૦ વિદ્યાર્થી નોંધાયા હતા. આમ ગ્રામ્યમાં ૪૫૭૦ વિદ્યાર્થીઓ ઘટ્યા છે.