Last Updated on by Sampurna Samachar
સરકારની કેબિનેટ બેઠક મળ્યા બાદ રાજ્ય ચૂંટણી પંચ જાહેર કરી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અટકેલી પાલિકા અને પંચાયતોની ચૂંટણીને લઈને મહત્વનું અપડેટ સામે આવ્યુ છે. રિપોર્ટ છે કે, આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઇ શકે છે. જ્યારે ૧૩ કે ૧૪ ફેબ્રુઆરીના રોજ મતદાન અને ૧૬ ફેબ્રુઆરીના દિવસે પરિણામોની આવવાની શક્યતાઓ છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને મહત્વનું અપડેટ સામે આવ્યુ છે. માહિતી પ્રમાણે, પાલિકા અને પંચાયતો પર લાંબા સમયથી લંબાઇ રહેલી ચૂંટણીઓ આવતાં સપ્તાહે જાહેર થઇ શકે છે. જેમાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળ્યા બાદ રાજ્ય ચૂંટણી પંચ જાહેર કરી શકે છે.
આ માટે મતદાન ૧૩ કે ૧૪ ફેબ્રુઆરીએ અને ૧૬ ફેબ્રુઆરીએ મતગણતરી થઇ શકે છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ૧૯ ફેબ્રુઆરીએ શરૂ થવા જઇ રહ્યું છે, તે પહેલાં આ ચૂંટણી પ્રક્રિયા આટોપી લેવાય તેવી શક્યતા છે. આ માટેનું જાહેરનામું જાન્યુઆરી માસના અંતિમ દિવસોમાં બહાર પડવાનું હોવાથી ફોર્મ ભરવાથી માંડીને મતદાન સુધીમાં ઉમેદવારોને પ્રચાર માટે માંડ દસેક દિવસનો સમય મળશે.
માહિતી છે કે, આ ચૂંટણીમાં ૨૭ ટકા OBC અનામતની જોગવાઇ લાગુ કરવાની હોવાથી અગાઉ ચૂંટણીઓ લંબાઇ હતી. તે પછી નવેસરથી સીમાંકન અને રોસ્ટર અમલી કરવાનું હોવાથી મુદત વીત્યા બાદ પણ અઢી વર્ષથી આ ચૂંટણીઓ ટળતા વહીવટદાર શાસન લદાયું હતું.
જોકે હવે ખેડા અને બનાસકાંઠા એમ બે જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત, ૭૮ નગરપાલિકા બેઠક અને જૂનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ ઉપરાંત કેટલીક પાલિકા અને પંચાયતોની પેટા ચૂંટણીઓ યોજાશે. આ અગાઉ બીજી જાન્યુઆરીએ પંચે ચૂંટણીઓ હેઠળ જનારી બેઠકોની યાદી બહાર પાડી હતી. પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીઓની નિયુક્તિ કરાઈ છે.