Last Updated on by Sampurna Samachar
શિક્ષણ બોર્ડ દ્વારા મુદત વધારવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ૯ અને ધોરણ-૧૧ ની ખાનગી સ્કૂલો શરૂ કરવા ઓનલાઈન અરજી કરવાની મુદતમાં વધારો કરવાનો ર્નિણય લેવાયો છે. ૨૦ ડિસેમ્બરથી શરૂ થયેલી આ કાર્યવાહીમાં ૧૯ જાન્યુઆરી સુધીની મુદત અપાઈ હતી. જે હવે શિક્ષણ બોર્ડ દ્વારા ૩૧ જાન્યુઆરી સુધીની મુદત વધારવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે નવી ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ૨૦ ડિસેમ્બરથી ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સંસ્થાઓ ૧૯ જાન્યુઆરી સુધી જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન અરજી કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
આમ, સંસ્થાઓને નવી ધોરણ-૯ અને ધોરણ-૧૧ની સ્કૂલો શરૂ કરવા માટે ૩૨ દિવસનો સમય અપાયો હતો. દરમિયાન, સંચાલક મંડળ દ્વારા નવી સ્કૂલો શરૂ કરવા માટે સંસ્થાઓને આપવામાં આવતા દિવસોમાં વધારો કરવા રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં સંચાલક મંડળે વધુ 15 દિવસની મુદત લંબાવવામાં આવે તો અનેક સંસ્થાઓ જે પુરતા ડોક્યુમેન્ટ એકત્ર કરી શકી ન હોવાથી અરજી કરી શકી ન હોવાથી તેમને તક મળે તે માટે માગણી કરાઈ હતી. આથી શિક્ષણ બોર્ડે ૩૧ જાન્યુઆરી સુધી મુદતમાં વધારો કર્યો છે.