Last Updated on by Sampurna Samachar
લૂંટમાં ૧૧ થી ૧૨ વ્યક્તિઓની સંડોવણી હોવાનો ખૂલાસો
પોલીસે આરોપીઓ પાસેથી ૧૪.૯૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકમાં આંગડિયા પેઢીના કર્મચારીઓને હથિયાર બતાવીને કરાયેલી ૩.૬૦ કરોડથી વધુની સનસનાટીભરી લૂંટના કેસમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. કચ્છ-ભુજ રેન્જ પોલીસ દ્વારા આ લૂંટના સંબંધમાં ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતેથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓ મહેસાણા જિલ્લાના હોવાનું ખુલ્યું છે. પકડાયેલા આરોપીઓના નામ નિયાઝખાન, ફરદીનખાન મોગલ અને રવાજી ઠાકોર છે. આ ત્રણેય આરોપીઓ પર કર્ણાટકમાં આંગડિયા પેઢીના કર્મચારીઓને માર મારી, હથિયાર બતાવીને લૂંટ કરવાની ઘટનામાં સામેલ હોવાનો આરોપ છે.
ગુજરાત પોલીસ અને કર્ણાટક પોલીસે આગળની તપાસ કરી
પોલીસે આરોપીઓ પાસેથી ૧૪.૯૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વધુમાં, પકડાયેલા આરોપી નિયાઝખાન વિરુદ્ધ ભૂતકાળમાં લૂંટ અને મારામારી જેવા ૧૦ થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે.
પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આ લૂંટની ઘટનામાં આ ત્રણેય આરોપીઓએ મહારાષ્ટ્રની એક ગેંગના સભ્યો સાથે મળીને આ ગુનો આચર્યો હતો. આ લૂંટમાં મુખ્ય આરોપી અન્ના અને તેની ગેંગ સહિત કુલ ૧૧ થી ૧૨ વ્યક્તિઓની સંડોવણી ખુલી છે. ગુજરાત પોલીસ અને કર્ણાટક પોલીસ આ સમગ્ર કાવતરામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની તપાસ કરી રહી છે.