Last Updated on by Sampurna Samachar
કોંગ્રેસ અને આપના ગઠબંધનમાં ગાંઠ થવાની શક્યતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ૧૬ ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનુ છે. જ્યારે ૧૮ ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં ચૂંટણીના મેદાનમાં બાજી મારવા માટે તૈયારી કરી લીધી છે. પક્ષના કાર્યકર્તાઓને રાત દિવસ જોયા વિના ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે હાકલ કરી દેવામાં આવી છે.
ત્યારે કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદની મુલાકાતે છે, ત્યારે તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે. જ્યારે મહારાષ્ટ્રમાં ગઠબંધન કરનાર ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતની મુલાકાતે છે. તેમણે પ્રદેશ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે બેઠક કરી હતી. મુકુલ વાસનિકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે. ગઠબંધનના ર્નિણયમાં સ્થાનિક નેતાઓની મહત્ત્વની ભૂમિકા રહેશે, જે તે વિસ્તારમાં સ્થાનિક સંગઠનની માંગ મુજબ ગઠબંધનનો ર્નિણય લેવાશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનનો ર્નિણય તેમને સ્થાનિક નેતાઓ પર છોડ્યો છે.
આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જે રીતે લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના શાસનનો અંત લાવવા માટે આમ આદમી પાર્ટીને જે પણ કરવું પડે તે કરશે. કોંગ્રેસે સ્થાનિક લેવલે ગઠબંધનની વાત કરી છે તેને હું આવકારું છું. સ્થાનિક લેવલે ગઠબંધનના જે ર્નિણયો લેવાશે તેને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડવામાં આવશે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગઠબંધનને લઇને મોટું નિવેદન આપ્યું છે. રાજ્ય સ્તરે કોંગ્રેસ ગઠબંધન નહીં કરે, ગઠબંધનને લઈને કોઈ પક્ષનો પ્રસ્તાવ આવ્યો નથી. સ્થાનિક સંગઠનની માંગ મુજબ ગઠબંધનની ચર્ચા થઈ હોવાની પણ તેમણે વાત કરી હતી. પોલિટિકલ અફેરની બેઠકમાં ગઠબંધન અંગે ચર્ચા કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં ગઠબંધન કરનાર એનસીપી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડશે. જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણી લડવા માટે એનસીપી સજ્જ બની છે. નિકુલસિંહ તોમરે જણાવ્યું હતું કે સ્ટુડન્ટ વિંગના નેશનલ લેવલના સેક્રેટરી વિજય યાદવ ૨૭ મી જાન્યુઆરીએ ફોર્મ ભરશે. તેમજ ઘાટલોડિયા કૉર્પોરેશનની પેટા ચૂંટણી પણ લડશે. અમે કોઈની સાથે ગઠબંધન કરવાના નથી.