Last Updated on by Sampurna Samachar
મરઘાં ફાર્મની આડમાં ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઇ
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી ગુજરાત ATSએ શફાત અહેમદ ફારૂકીની ધપરકડ કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત ATSએ યુપીના આંબેડકર નગરમાં રેડ કરી મોટી માત્રામાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી ગુજરાત ATSએ શફાત અહેમદ ફારૂકીની ધપરકડ કરી હતી.શફાત પાસેથી ૪.૬ ગ્રામ ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું. જે તપાસમા મળેલા ઇનપુટના આધારે ATSએ તપાસ આગળ ધપાવી હતી.

તેની સાથે સોહેલ મિર્ઝા અને ફરહાન પઠાણની ધરપકડ બાદ પૂછપરછમાં મહત્વના ખુલાસા થયા હતા. આરોપીઓ મરઘાં ફાર્મની આડમાં ગેરકાયદેસર ડ્રગ્સ ફેક્ટરી ચલાવતા હોવાનો ખુલાસો થયો છે.તપાસ દરમ્યાન પંકજ અને કપિલ નામના આરોપીઓ સુધી પોલીસ પહોંચી હતી. જે બંને આરોપીઓએ અમદાવાદમાં ૩૦૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મોકલ્યો હતો.જેથી પંકજ અને કપિલની તપાસ કરતા ઉત્તર પ્રદેશની ફેક્ટરી સુધી ગુજરાત એટીએસ પહોંચી છે. કારણ કે બન્ને આરોપી વારંવાર યુપીના આંબેડકર નગર જિલ્લામાં જતાં આવતા હતા.જ્યાં રેડ કરી કાર્યવાહી કરવામા આવી હતી.
રામનગર ગામમાં એક ખેતર પર રેડ કરી
આ અંગે ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ કહ્યું હતું કે, ATSએ યુપી પોલીસને સાથે રાખી આંબેડકર નગર જિલ્લાના રામનગર ગામમાં એક ખેતર પર રેડ કરી હતી. જ્યાં ત્રણ નાના શેડ બનાવી ડ્રગ્સનું પ્રોડક્શન કરવામાં આવતું હતું.
સુનિલ જોશીએ વધુમાં કહ્યું હતું કે, રેડ દરમિયાન પોલીસને ૬ કિલો મેફેડ્રોન, ૫૦ કિલો લિક્વિડ મેફેડ્રોન, ૮૮ કિલો કેમિકલ અને આશરે ૨૦૦ કિલો રો મટીરીયલ મળી આવ્યું હતું.કપિલ દેવ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજ પરશુરામની ધરપકડ કરી છે. છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલી આ ડ્રગ્સ ફેક્ટરીમાંથી કયું ડ્રગ્સ સપ્લાય થતું હતું તે અંગે તપાસ શરૂ કરી છે.
ATSએ સ્થળ પરથી કપિલ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ છેલ્લા ત્રણથી ચાર મહિનાથી ડ્રગ્સ બનાવવાની કામગીરી કરતા હતા.આરોપીઓ મરઘાં ફાર્મની આડમાં ગેરકાયદેસર ડ્રગ્સ ફેક્ટરી ચલાવતા હોવાનો ખુલાસો થયો છે.