Last Updated on by Sampurna Samachar
ATS અને કચ્છ પોલીસની સંયુક્ત કાર્યવાહી
પૂછપરછ દરમિયાન આરોપી વિકાસે કબૂલાત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત ATS એ રાપરમાંથી નાસતા ફરતા કુખ્યાત રોહિત ગોદારા-નવીન બોક્સર ગેંગના શૂટરને પકડી લઇ મોટી સફળતા મેળવી છે. આરોપી હરિયાણામાં ધોળે દિવસે હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર હતો. જ્યાં તેની સાથે તેને આશ્રય આપનાર તેના સાગરીતની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ સમગ્ર ઓપરેશનની કડી ગુજરાત ATS ને મળેલી એક સચોટ બાતમીથી મળી હતી. બાતમી એવી હતી કે, હરિયાણાનો વોન્ટેડ ગુનેગાર વિકાસ ઉર્ફે ગોલુ જસબિરસિંધ શ્યોરાણ હાલમાં કચ્છના રાપરમાં છુપાયેલો છે.
હરિયાણામાં ધોળા દિવસે કરી હતી હત્યા
આ માહિતીની ખરાઈ કર્યા બાદ, કચ્છ પોલીસ સાથે સંકલન સાધીને રાપરના નાગેશ્વર પાર્ક વિસ્તારમાં આવેલા એક આર.ઓ. પ્લાન્ટ પાસેના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે અહીંથી વિકાસ ઉર્ફે ગોલુ અને તેને આશરો આપનાર દિન્કેશ ઉર્ફે કાલીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પૂછપરછ દરમિયાન આરોપી વિકાસે કબૂલાત કરી હતી કે તેણે હરિયાણાના ભિવાની કોર્ટ પરિસરમાં અજય અને રોહિત નામના સાગરીતો સાથે મળીને લવજીત નામના શખસની ગોળી મારી હત્યા કરી હતી. વધુમાં તેણે જણાવ્યું કે, આ હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારાએ મોકલી આપી હતી.
હત્યા બાદ ફરાર થયેલો વિકાસ નવેમ્બર મહિનામાં રાપર ખાતે દિન્કેશ ઉર્ફે કાલી પાસે રહેવા આવ્યો હતો. દિન્કેશ પોતે હરિયાણાના કેથલનો રહેવાસી છે અને નવીન બોક્સરના કહેવાથી તેણે આ શૂટરને છુપાવવામાં મદદ કરી હતી.